દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાનઃ 8 ફેબ્રુઆરીએ પરિણામ

Wednesday 08th January 2025 05:44 EST
 
 

નવી દિલ્હીઃ સમગ્ર દેશની જેના પર નજર છે તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ભાજપે 70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે 29 ઉમેદવારોની પહેલી યાદી શનિવારે જાહેર કરી છે. તેમાં નવી દિલ્હી સીટ પર પૂર્વ સીએમ અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને ટિકિટ અપાઈ છે. જ્યારે કાલકાજી સીટ પરથી મુખ્યમંત્રી આતિશીની સામે ભાજપે પૂર્વ સાંસદ રમેશ બિધુડી, તો કોંગ્રેસે અલકા લાંબાને ટિકિટ આપી છે. કોંગ્રેસની નવી દિલ્હી
સીટથી પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતને ઉમેદવાર બનાવ્યાં છે.
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેનું પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, દેશની રાજધાનીમાં 1.5 કરોડ મતદારો માટે 33 હજાર બૂથ બનાવાયાં છે, જેમાં 83.49 લાખ પુરુષ અને 79 લાખ મહિલા મતદાર છે. 2 લાખ નવા મતદારો છે.
કોંગ્રેસનું વાયદા બજાર
કોંગ્રેસે સોમવારે પ્યારી દીદી' યોજનાની જાહેરાત કરી હતી. યોજના હેઠળ દિલ્હીમાં સત્તા પર આવતા જ મહિલાઓને દર મહિને 2,500 રૂ.ની સહાયતા અપાશે. આ યોજના કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના મૉડલ પર આધારિત હશે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે દિલ્હીમાં યોજનાની જાહેરાત કરતા વાયદો કર્યો કે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં આ યોજના લાગુ કરાશે.
ઉલ્લેખનીય છે કે ભાજપે 29 ઉમેદવાર જ જાહેર કર્યા છે, જેમાં 13ને રિપીટ કરાયા છે. કોંગ્રેસે 3 યાદીમાં 48 અને આપે તમામ 70 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે.


comments powered by Disqus