પોરબંદરઃ પોરબંદર એરપોર્ટના રન-વે પર કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર જવાનોની નિયમિત તાલીમ પૂર્ણ કરી એરપોર્ટના રન-વે પર ઉતરતું હતું, ત્યારે એકાએક ક્રેશ થતાં અગનગોળામાં ફેરવાયું હતું. જેથી તેમાં સવાર 2 પાિલટ સહિત 3 જવાનોનાં મોત થયાં હતાં.
પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે કાર્યરત્ એડવાન્સ લાઇટ એમકે-3 હેલિકોપ્ટર સીજી-859 બપોરે 12:15 વાગ્યે જવાનોની નિયમિત તાલીમ પૂર્ણ કરી એરપોર્ટના રન-વે પર લેન્ડિંગ કરી રહ્યું હતું. હેલિકોપ્ટરમાં 2 પાઇલટ કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ટીએમ, ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીરકુમાર યાદવ અને એર ક્રૂ મનોજકુમાર સવાર હતા. લેન્ડિંગ કરતી વખતે જ અચાનક હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે અથવા અન્ય કોઈ કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને રન-વે પર જ આગમાં લપેટાઈ ગયું હતું.
હેલિકોપ્ટર ક્રેશ થતાં નજીકમાં આવેલ કોસ્ટગાર્ડના એર એન્કલેવથી અને મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે હેલિકોપ્ટર આગના કારણે કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય જવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

