બનાસકાંઠાના બે ફાડિયા સાથે 9 પાલિકા ‘મ્યુનિસિપલ કોર્પોરેશન’

Wednesday 08th January 2025 04:34 EST
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી 'વાવ- થરાદ' નામે વધુ એક જિલ્લો રચવા નિર્ણય થયો હતો. ઉપરાંત બજેટમાં થયેલી જાહેરાત અનુસાર રાજ્યની નવ નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદિલ કરવાના મુસદ્દાને મંજૂરી અપાઈ હતી. પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને છેલ્લે ગાંધીનગર એમ 8 મ્યુનિસપલ કોર્પોરેશન- મહાનગરો પહેલાથી અસ્તિત્વમાં છે. 14 વર્ષ પછી નવી 9 મહાનગરપાલિકા અમલમાં આવતાં રાજ્યમાં શહેરી વસ્તી વધીને 54-56 ટકાએ પહોંચશે.
નીતિ આયોગની સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથની સંકલ્પના સાર્થક કરવા શહેરી ક્ષેત્રનું સુગઠિત રીતે આયોજન થાય તે ઉદ્દેશ્યથી મહાનગરપાલિકાઓમાં વિકાસલક્ષી કામો અને વહીવટી તંત્રમાં વધુને વધુ અસરકારતા, પારદર્શિતા આવશે. તેમણે આ સાથે રાજ્યમાં નગરપાલિકાઓની સંખ્યા ઘટી 149 થશે એમ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાથી નવા જિલ્લામાં 8 તાલુકા અને 4 પાલિકાનો સમાવેશ કરાયો છે. ભૌગોલિક સ્તરે જિલ્લા વિભાજન- પાલિકા અપગ્રેડેશનના આ નિર્ણયની અસર આવનારા સમયમાં લોકસભા-વિધાનસભાના નવા સીમાંકન પહેલાં રાજકીય, સામાજિક, વહીવટીય રીતે લાંબા સમય સુધી બની રહેશે. સરકારે 10 પાલિકા પૈકી 9 નવી મહાનગરપાલિકા આકારવા વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ કરી છે. આ વ્યવસ્થાને પૂર્ણ થયા બાદ ઓક્ટોબર- 2025 પછી ચૂંટણીઓ થશે.
વાવ-થરાદ નવા જિલ્લામાં શું ?
નવા જિલ્લાનું વડુમથક થરાદ શહેર રહેશે. હાલના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા પૈકી વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ મળી 9 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. આ જિલ્લામાં 600 ગામ રહેશે અને વિસ્તાર 6257 ચોરસ કિલોમીટર રહશે.
હયાત બનાસકાંઠામાં શું રહ્યું?
નવો જિલ્લો આકાર પામતાં બનાસકાંઠાનું વડુંમથક પાલનપુર યથાવત્ રહેશે. જ્યારે દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા એમ કુલ 6 તાલુકા. પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાનો સમાવેશ થશે. જૂના જિલ્લામાં હવે 600 ગામ રહેશે અને ક્ષેત્રફળ પણ 4.486 કિલોમીટર રહેશે.


comments powered by Disqus