ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ભૂપેન્દ્ર યાદવને ગુજરાત, રૂપાણીને રાજસ્થાનની જવાબદારી

Wednesday 08th January 2025 04:33 EST
 
 

અમદાવાદઃ આગામી સમયમાં દેશભરનાં 29 રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી થવા જઈ રહી છે, જેના માટે ભાજપ હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, મહામંત્રી સહિતના ભાજપ નેતાઓને અલગ-અલગ રાજ્યની જવાબદારી સોંપી છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ નિમવાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને, તો રાજસ્થાનની જવાબદારી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ છે. ઉત્તરપ્રદેશની જવાબદારી પિયૂષ ગોયેલ અને કર્ણાટકની જવાબદારી શિવરાજસિંહ ચૌહાણને સોંપાઈ છે.
ગુજરાતમાં ભાજપના પ્રદેશપ્રમુખ તરીકે સી.આર. પાટીલની મુદત પૂરી થઈ ગઈ છે, ત્યારે તેમના અનુગામી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર છે. જાન્યુઆરી માસના અંત સુધીમાં ગુજરાતને નવા પ્રદેશપ્રમુખ મળી શકે છે, જેની પસંદગી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના શિરે મૂકવામાં આવી છે. જ્યારે રાજસ્થાનમાં પણ આ કામગીરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવી છે. આ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે પણ કેન્દ્રીય ભાજપ મોવડી મંડળે વિજય રૂપાણીને જવાબદારી સોંપી હતી.


comments powered by Disqus