કેરાઃ સ્ત્રી સશક્તિકરણમાં હંમેશાં અગ્રહરોળમાં રહેતા રામપર ગામની દીકરી લંડનમાં જજ પદે નિયુક્તિ પામી છે. બ્રિટિશ રાજાએ સંગીતા વિરલ રાબડિયાને નિમણૂક આપતો પત્ર આપ્યો હતો. મૂળ કચ્છ-માંડવી તાલુકાના રામપર ગામના કાનજી મનજી કેરાઈ (પૂર્વ પ્રમુખ કેન્ટન હેરો સ્વામિનારાયણ મંદિર), લાલબાઈ બહેનનાં પુત્રી સંગીતાબહેને બી.એ. પૂર્ણ કર્યા બાદ લોની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
ભણવામાં શરૂઆતથી તેજસ્વી આ 40 વર્ષીય કચ્છી યુવતીએ જણાવ્યું કે, હું પ્રથમ મહિલા છું જે આ પદે પહોંચી છું. વિરલ હરીશ રાબડિયાનાં પત્ની સંગીતાબહેન બે પુત્રનાં માતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી એવા આ સત્સંગી મહિલાએ ઉમેર્યું કે, બ્રિટનમાં ઉચ્ચ પદે પહોંચવું મહેનત માગી લે છે. 12 વર્ષનો વકીલાત ક્ષેત્રે અનુભવ છે. હાલ કેન્ટનમાં ખાનગી પ્રેક્ટિસની ઓફિસ છે. હવે વર્ષમાં ઓછામાં ઓછા 60 કેસના નિર્ણય તેમને આપવાના રહેશે. સિવિલ પ્રકારના કેસમાં મિલકત, નાણાં, ટેક્સ સંબંધી મામલાનો સમાવેશ થતો હોવાનું ઉમેર્યું હતું. કચ્છી લેઉવા પટેલ સમાજ ભુજ, કચ્છ લેઉવા પટેલ કોમ્યુનિટી યુ.કે.એ આ કચ્છી યુવતીને અભિનંદન આપતાં મહિલાશકિતના પ્રેરક ગણાવ્યાં હતાં.

