વડોદરાઃ ભારતમાં 99 ટકા ઓટો રિક્ષા પુરુષો દ્વારા ચલાવાય છે. આવા સમયે એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશને વડોદરામાં પિન્ક ઓટો રિક્ષાની પહેલ શરૂ કરી છે, જેનો હેતુ માત્ર જરૂરિયાતમંદ મહિલાઓ માટે આજીવિકાની તક પૂરી પાડવાનો નથી, પરંતુ આ પ્રક્રિયા થકી સમાજમાં મહિલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો પણ છે. આ જ કારણે મહિલાઓ દ્વારા મહિલાઓ માટેની એક પહેલ છે. જો કે પિન્ક રિક્ષા તમામ મુસાફરો માટે છે.
એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓની પસંદગી કરાઈ હતી. તેઓને ડ્રાઇવિંગ સ્કૂલ ટ્રેનરની મદદથી રિક્ષા ડ્રાઇવિંગ માટે યોગ્ય તાલીમ અપાઈ હતી અને વડોદરા RTO તરફથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની સુવિધા અપાઈ હતી. આમાંથી બે પસંદ કરાયેલી લાભાર્થી મહિલા વિધવા છે, જ્યારે એક છોકરી માત્ર 24વર્ષની અને અપરિણીત છે, જ્યારે બાકીની તમામ મહિલાઓ પરિણીત છે.
આ મહિલાઓ નાનાં-મોટાં કામ, દુકાનમાં નોકરી અને લોકોના ઘરે કામ કરી પોતાની આજીવિકા રળે છે. આ અગાઉના પ્રથમ રાઉન્ડમાં, એલેમ્બિક કંપનીની આસપાસના પંચમહાલનાં ગામોની 6 મહિલાની પસંદગી કરાઈ હતી. તેઓને ડ્રાઇવિંગ સ્કૂલ ટ્રેનરની મદદથી રિક્ષા ડ્રાઇવિંગ માટે તાલીમ અપાઈ હતી. વડોદરા RTOથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા બાદ તેઓ 9 માસથી દરમહિને આશરે રૂ. 14 હજાર કમાય છે. જે પૈકી કેટલીક મહિલાઓ દૂધકેન્દ્ર પર દૂધ પહોંચાડવા સહિતનું કામ પણ કરે છે.

