ધાનેરાઃ નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરાયો છે. ત્યારે ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં ભેળવી દેવાતાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માગણી સાથે રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે વિસ્તારના લોકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ હતી અને સરકાર દ્વારા નિર્ણય નહીં બદલવામાં આવે તો ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં ભેળવાતાં સ્થાનિકોમાં નારાજગી છે, જ્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને તાલુકા વકીલ મંડળ દ્વારા પણ વખોડી કઢાયો છે. ધાનેરા અને દાંતીવાડા તાલુકાના નાયબ કલેક્ટરની કચેરી હાલમાં ધાનેરા છે, જેથી તાલુકાના અને દાંતીવાડાના લોકોને ધાનેરા આવવામાં સગવડ રહે છે. વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાતાં નાયબ કલેક્ટરનું વડુમથક પણ ભવિષ્યમાં બદલાવાની શક્યતા છે.
ધાનેરાના વેપારીઓ પણ ડીસા-પાલનપુર-ઊંઝા-મહેસાણા અને અમદાવાદ મુકામે વેપારઅર્થે જતા હોવાથી સરળતા રહે છે. જેથી બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા તાલુકાનો સમાવેશ રહે તો લોકોને આરોગ્ય, શિક્ષણ, વાહનવ્યવહાર સહિતની સુવિધામાં સરળતા રહે તેમ છે.
કાંકરેજને થરાદમાં સમાવવાનો વિરોધ
રાજ્ય સરકારે ઓગડ જિલ્લાને બદલે વાવ-થરાદને વડુંમથક અને જિલ્લો જાહેર કરાતાં દિયોદરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. 2 જાન્યુઆરીએ દિયોદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો અને વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી દેખાવ કર્યો હતો. સ્થાનિકોએ આ અંગે રાજ્ય સરકાર નિર્ણય પાછો ખેંચે તેવી માગને લઈ આવેદન પાઠવ્યું હતું.

