સંભલ જામા મસ્જિદમાં મંદિરના પુરાવા મળ્યાઃ સરવે રિપોર્ટ સોંપાયો

Wednesday 08th January 2025 05:44 EST
 
 

સંભલઃ સંભલ શાહી જામા મસ્જિદની અંદર સરવે કામગીરી સંપન્ન થતાં એડવોકેટ કમીશન રિપોર્ટ બંધ કવરમાં કોર્ટને સોંપવામાં આવ્યો છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્યસિંહની કોર્ટમાં અહેવાલ પેશ કરવામાં આવ્યો છે. એડવોકેટ કમિશનર રમેશ રાઘવે તે અહેવાલ કોર્ટમાં પેશ કર્યો હતો. હવે સરવે રિપોર્ટની અંદરની વિગતો પ્રકાશમાં આવી છે. કહેવાય છે કે જામા મસ્જિદમાં મંદિર હોવાના પ્રમાણ મળી રહ્યા છે. મસ્જિદમાં બે વટવૃક્ષ છે. હિંદુ ધર્મના મંદિરોમાં જ વટવૃક્ષની પૂજા થતી હોય છે. એટલું જ નહીં, મસ્જિદમાં કૂવો પણ છે. કૂવો અડધો મંદિર સંકુલમાં અને અડધો બહાર છે. કૂવાના બહારના ભાગને ઢાંકી દેવામાં આવ્યો છે. સંભલ જામા મસ્જિદ હકીકતે હરિહર મંદિર હોવાના દાવા સાથે થયેલી અરજીને પગલને કોર્ટે સરવેક્ષણના આદેશ કર્યા હતા. સરવેના પહેલા દિવસે અર્થાત 19 નવેમ્બર 2024ના રોજ અંદાજે દોઢ કલાકની વીડિયોગ્રાફી થઈ હતી. બીજે દિવસે ત્રણ કલાકની વીડિયો ગ્રાફી થઇ હતી. તે દરમિયાન અંદાજે 1200 ફોટા લેવામાં આવ્યા હતા. અવલોકન દરમિયાન મસ્જિદમાં 50 થી વધુ ફૂલ જેવી કલાકૃતિ મળી છે. જૂના માળખામાં ફેરફાર કરતાં ગુંબજના ભાગને સપાટ કરી દેવામાં આવ્યો છે. નવા બાંધકામના પુરાવા પણ મળ્યા છે. મંદિરનો આકાર ધરાવતા માળખાને રંગી નાખવામાં આવ્યું છે. મસ્જિદના ગુંબજ પર તારથી બાંધીને ઝૂમર લટકે છે. આવી સાંકળન ઉપયોગ મંદિરોમાં ઘંટ લટકાવવા થતો હોય છે. 


comments powered by Disqus