સુરતઃ શહેરના મોટા માથા કહેવાતા બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી બનાવી સરકારી બાબુઓ સાથે મિલીભગત રચી ડુમસ અને વાટા ગામની અંદાજિત 5 લાખ વારની રૂ. 2500 કરોડની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ આચર્યું હોવાની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. બોગસ પ્રોપર્ટી કાર્ડથી જમીનમાં અનઅધિકૃત રીતે સાયલન્ટ ઝોનના નામે પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતો અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું.
સુરતના આઝાદ ચતુરભાઈ રામોલિયા ખેડૂત છે. શહેરમાં ડુમસમાં બ્લોક નં.815, 801-2, 803, 804, 83, 787-2વાળી જમીન તથા વાટામાં બ્લોક નં.61વાળી જમીન મગદલ્લાના ખેડૂત રસિક લલ્લુભાઈ પાસેથી ખરીદી હતી. જેની એન્ટ્રી વર્ષ 2016-17માં પ્રમાણિત થઈ હતી.
દરમિયાન વર્ષ 2022માં જિજ્ઞેશભાઈ નામના જમીન બ્રોકર રામોલિયા પાસે બ્લોક નં.803નું પ્રોપર્ટી કાર્ડ લઈને જમીન વેચવાની વાત કરી હતી. તેમણે રેવન્યુ રેકર્ડની ઓનલાઇન વેબસાઇટ પર ચેક કરતાં ડુમસ અને વાટા ગામની તમામ જમીનોના સરવે નંબરોમાં અલગ-અલગ વ્યક્તિના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર બિલ્ડરોએ ડુમસ અને વાટા ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીનોનાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં તત્કાલીન નાયબ નિયામક કે.પી. ગામિત અને સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર મનહર કાકડિયા, પ્રકાશ આસવાની, લોકનાથ ગંભીર અને નરેશ શાહની સંડોવણી સામે આવતાં સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

