NRI વધુ આવતા હોય તેવા વિસ્તારોમાં ખાસ પોલીસ મથક બનાવવા માગ

Wednesday 08th October 2025 06:00 EDT
 
 

અમદાવાદઃ હવે શિયાળાની શરૂઆત થતાં જ ગુજરાતમાં NRIનું આગમન શરૂ થઈ જશે. દિવાળી અને લગ્નસરા માટે આવતા NRI ગુજરાતમાં હરવા-ફરવા તથા ખરીદી પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરતા હોવાથી બજારમાં પણ તેજી જોવા મળતી હોય છે. NRIની સિઝન શરૂ થતાં અસલી-નકલી પોલીસ પણ એક્ટિવ બની જતી હોય છે. એરપોર્ટથી લઈને NRI મહેમાન ઘરે પહોંચે નહીં ત્યાં સુધી તેમને રંજાડવાનો કોઈ મોકો છોડવામાં આવતો નથી. આવી બાબતોથી NRIને છુટકારો મળે તે માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિયેશન, USA (FOGA USA) દ્વારા ગુજરાતના ગૃહમંત્રી અને DGP સમક્ષ ગુજરાતમાં NRI પોલીસ મથકો કાર્યરત્ કરવા રજૂઆત કરી છે. FOGA USAના ડો. વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, આવતા દિવસોમાં તેઓ આ બાબતે ફરી રજૂઆત કરશે. હવે જોવાનું એ રહ્યું કે દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં NRI માટે ખાસ સુવિધા શરૂ થાય છે કે નહીં.
અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે જઈ રહેલા NRIને તપાસના નામે રોડ પર રોકીને રંજાડાઈ રહ્યા છે. તેમની કોઈ રજૂઆત હોય તો તે પોલીસ મથકે જાય એટલે NRI પાસેથી કેવી રીતે કોઈ લાભ લેવો પોલીસ તેની ફિરાકમાં જ હોય છે. આમ પોલીસના અસામાન્ય વર્તનને લઈને NRI પરેશાન થાય છે. સાથેસાથે સમગ્ર રાજ્યની ઇમેજને પણ નુકસાન પહોંચી રહ્યું છે. માટે જ ફોગા યુએસએ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, ગુજરાતના જે પ્રદેશમાં મોટી સંખ્યામાં NRI આવે છે, ત્યાં NRI પોલીસ સ્ટેશન કાર્યરત્ કરવાં જોઈએ.


comments powered by Disqus