જૂનાગઢઃ ગિરનાર પર્વત પર 5500 પગથિયાં નજીક નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની પવિત્ર જગ્યાએ મોડીરાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરાઈ, જેનાથી સંતો અને ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે સંતોએ અરજી આપી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ મામલે ગૌરક્ષનાથ મંદિરના મહંત સોમનાથબાપુએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની. મંદિરનો પૂજારી સૂતો હતો ત્યારે તેના રૂમને બહારથી લોક મારી દેવાયું હતું, ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરીને તોડફોડ કરાઈ હતી. જ્યારે પૂજારીએ બારી ખોલીને બહાર જોયું અને બૂમાબૂમ કરી ત્યારે તેને કોઈ મદદ મળી નહોતી.
તેમણે કહ્યું હતું કે, પૂજારીએ બારીમાંથી જોયું ત્યારે 4 લોકો નીચે ઉતરતા હતા. આવારાં તત્ત્વો દ્વારા મંદિરમાં મૂર્તિ તોડાઈ છે, કાચ ફોડી નાખવામાં આવ્યા છે અને પૂજાની તેમજ અન્ય સામગ્રી અસ્તવ્યસ્ત કરી નખાઈ હતી. મહંત સોમનાથ બાપુએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આવી ઘટના બની છે, જ્યારે રામદેવપીરની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અને જૈન સમુદાય દ્વારા તેનો વિરોધ થયો હતો. ત્યારબાદ ત્રણ દિવસમાં જ તે મૂર્તિની ચોરી થઈ હતી, જે આજદિન સુધી મળી નથી. હાલ આ કૃત્ય કોના દ્વારા કરાયું તે કહી ન શકાય, પરંતુ અવારનવાર હિન્દુ મંદિરોને જૈન સંપ્રદાય દ્વારા ટાર્ગેટ બનાવાય છે. ત્યારે કદાચ આ કૃત્ય પણ જૈન સંપ્રદાય દ્વારા કરાયું હોય તેવી આશંકા છે.
તેમણે ઉમેર્યું હતું કે, અવારનવાર હિન્દુ મંદિરોને જૈન સંપ્રદાય દ્વારા ટાર્ગેટ કરાય છે, આ પણ તેમના દ્વારા કરાવાયું હોવાની અમને આશંકા છે. આ મામલે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ સાધુ-સંતોએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી છે. સાધુ-સંતોની માગ છે કે, આ ધર્મ વિરુદ્ધનું કૃત્ય કરનારા આરોપીઓને વહેલી તકે પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે.

