જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા ‘વિશ્વકર્મા’

Wednesday 08th October 2025 06:00 EDT
 
 

ગાંધીનગરઃ લાંબા સમયની અટકળોના અંત વચ્ચે 4 ઓક્ટોબરે શનિવારે જગદીશ પંચાલ – વિશ્વકર્માની ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સત્તાવાર જાહેરાત થઈ ગઈ, જેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો છે. આમ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેમણે શુક્રવારે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે.
કોણ છે જગદીશ પંચાલ?
12 ઓગસ્ટ 1973ના દિવસે અમદાવાદમાં જન્મેલા જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ - વિશ્વકર્મા 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમણે એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજસેવાનો શોખ ધરાવે છે. રાજ્યમાં સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
રાજકીય સફર
વર્ષ 1998માં બૂથ ઇન્ચાર્જ – કાર્યકર તરીતે રાજકીય સફર શરૂ કરનારા જગદીશ પંચાલ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017થી તેઓ નિકોલ વિસ્તારમાંથી સતત ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગતવર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર 2021થી વન અને પર્યાવરણ મંત્રી (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે જવાબદારી લીધી હતી. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તેઓ સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે. હાલમાં તેઓ કુટિરઉદ્યોગ, સહકાર, મીઠાઉદ્યોગ, માર્ગ અને મકાન, એમએસએમઈ, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી છે.

વિદાય લેતાં પાટીલે કહ્યું, ‘માફ કરજો’

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદેખી વિદાય લેતાં સી.આર. પાટીલે કહ્યું કે, મારા કાર્યકાળમાં કેટલાક કાર્યકરોને નુકસાન થયું હશે, તો કેટલાકને ફાયદો. જો કે મારો ઇરાદો કોઈને નુકસાન કરવાનો નહોતો, મને માફ કરજો. પદગ્રહણ સમારોહમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને અધ્યક્ષનો કાર્યભાર સોંપતાં પાટીલે કહ્યું કે, મારા કાર્યકાળમાં મેન્ડેટ પ્રથા આવી તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારાઓનેએ ના ગમ્યું, એટલે અપપ્રચાર પણ કર્યો કે આ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં કહ્યું કે, ધારાસભ્ય અને સાંસદની ચૂંટણીમાં શા માટે મેન્ડેટ આપવો જોઈએ. જે જીતીને આવે તે આપણા.


comments powered by Disqus