નડિયાદઃ શહેરમાં ચકચારી ધર્માંતરણના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની અટક કર્યા બાદ સ્થળ પરથી કબજે કરેલા મોબાઇલ અને લેપટોપમાં તપાસ કરતાં દોઢ લાખથી વધુ ફોટો અને વીડિયો મળી આવ્યા છે. જે બાબતની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં કેટલાક ખ્રિસ્તી ધર્મના યોજાતા સેમિનારના વીડિયો વાઇરલ થયા હતા, જેમાં સેમિનારમાં ભાગ લેતા લોકો આંખ બંધ કરી અને રડતા, તો ક્યારેક ચીસો પાડતાં તો ક્યારે બેભાન થઈને ઢળી પડતા જોવા મળ્યા હતા. આવાં જ દૃશ્યો નડિયાદથી ધર્માંતરણના મામલામાં ઝડપાયેલા સ્ટિવનના સેમિનારમાં પણ જોવા મળતા હતા.
1 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન
દ્વારકા-નડિયાદમાં ધર્માંતરણ મામલે નેપાળ કનેક્શન ખૂલ્યું છે. ધર્માંતરણનું આ રેકેટ માત્ર નડિયાદ કે દ્વારકા નહીં, પરંતુ દેશભર અને વિશ્વભરમાં ચાલતું હોવાનું ધ્યાને આવ્યું છે. આ સાથે મુખ્ય સૂત્રધારના એકાઉન્ટમાં રૂ. 1 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન મળતાં પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં સ્ટીવનના ખાતામાં વિદેશથી ફન્ડિંગ કરાયું હોવાનું
જણાયું છે.

