પાકિસ્તાન દુ:સાહસ કરશે તો તેનો ઈતિહાસ, ભૂગોળ બદલી નખાશેઃ રાજનાથસિંહ

Wednesday 08th October 2025 06:26 EDT
 
 

ભુજઃ આર્મી સ્ટેશન ખાતે વિજયાદશમીના અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શસ્ત્રપૂજામાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં ઉપયોગમાં લેવાયેલી ડિફેન્સ સિસ્ટમની પૂજા કરી. આ કાર્યક્રમના સંબોધનમાં હુંકાર કરતાં રાજનાથસિંહે જણાવ્યું કે, આઝાદીનાં 78 વર્ષ પછી પણ પાકિસ્તાન સરક્રિક સેક્ટર પર વિવાદ ચાલુ રાખે છેે. સરક્રિકમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં લશ્કરી માળખાગત સુવિધાઓનું વિસ્તરણ તેના નાપાક ઇરાદાને સાબિત કરે છે, પરંતુ પાકિસ્તાનના કોઈપણ દુઃસાહસનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન સરક્રિકમાં કોઈ કાર્યવાહી કરવાની હિંમત કરશે તો તેનો જવાબ એટલો ગંભીર હશે કે તે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નખાશે. 1965માં ભારતીય સેનાએ લાહોર પહોંચવાની હિંમત દર્શાવી હતી, 2025માં પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો રસ્તો પણ ક્રિકમાંથી પસાર થાય છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના સંરક્ષણ નેટવર્કમાં ઘૂસણખોરીના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરતાં વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાને લેહથી સરક્રિક સુધી ભારતની સુરક્ષામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાના ઝડપી અને અસરકારક જવાબથી ન માત્ર પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીની નબળાઈ છતી થઈ નથી, પરંતુ વિશ્વને સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે, ભારત પોતાની પસંદગીના સમયે, સ્થળ અને રીતે ભારે જાનહાનિ પહોંચાડી શકે છે.
રેકોર્ડ સમયમાં ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરતાં રાજનાથ સિંહે કહ્યું કે, આ ફક્ત સશસ્ત્ર દળોની એકતાને કારણે શક્ય બન્યું છે. તેમણે સૈનિકો અને અધિકારીઓને તેમની વ્યૂહરચના, હિંમત અને ક્ષમતા માટે અભિનંદન આપ્યા, જેણે કોઈપણ પરિસ્થિતિમાં તેના વિરોધીઓને હરાવવાની ભારતની ક્ષમતા સાબિત કરી છે. આ સાથે રાજનાથસિંહે વ્યૂહાત્મક ખાડી વિસ્તારમાં ટાઇડલ ઇન્ડિપેન્ડન્ટ બથિંગ ફેસિલિટી અને જોઇન્ટ કંટ્રોલ સેન્ટર (JCC)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું.


comments powered by Disqus