સતનાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીર (પીઓકે) અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે પીઓકેને ભારતનું અભિન્ન અંગ ગણાવી કહ્યું કે, પીઓકે ભારત નામના ઘરનો રૂમ છે, જેમાં અજાણ્યા લોકો ઘૂસી ગયા છે, એટલે તેને પાછું લેવું પડશે.
મધ્યપ્રદેશના સતનામાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે, પીઓકે નામના રૂમને પાછો લેવો પડશે. આ માટે સંઘ પ્રમુખે પોતાની વાત એક દૃષ્ટાંતથી સમજાવી કહ્યું કે, આખું ભારત એક ઘર છે, પરંતુ કોઈએ આપણા ઘરના એક રૂમને હટાવી દીધો છે, જ્યાં મારું ટેબલ, ખુરશી અને કપડાં રાખવામાં આવતાં હતાં. તેમણે (પાકિસ્તાને) તેના પર કબજો કર્યો છે. આવતીકાલે મારે એ પરત લેવું પડશે. મોહન ભાગવતની આ વાત પર દર્શકોએ જોરદાર તાળીઓ પાડી હતી. તેમણે સભામાં ઉપસ્થિત સિંધી સમુદાય તરફ ઈશારો કરી કહ્યું કે, કેટલાય સિંધી ભાઈ અહીં બેઠા છે. હું ખૂબ આનંદિત છું, એ પાકિસ્તાન ગયા નહીં.

