પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલવેનિયાની રોબિન્સન ટાઉનશિપમાં શુક્રવારે ગોળીબારની એક કરુણ ઘટનામાં મોટેલ મેનેજર અને મૂળ ભારતીય એવા રાકેશ પટેલ (ઉં.વ. 50)નું મૃત્યુ થયું છે, જેઓ મૂળ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની હતા. તેઓ અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા હતા.
એલેગેની કાઉન્ટી પોલીસે આ હત્યા કેસના સંબંધમાં સ્ટેનલી વેસ્ટ (ઉ.વ. 38) પર હત્યા, હત્યાનો પ્રયાસ અને બેદરકારીપૂર્વક અન્ય વ્યક્તિને જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટેલના પાર્કિંગમાં આરોપી સ્ટેનલી વેસ્ટનો મહિલા સાથી વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે આરોપીએ મહિલાને ગોળી મારી હતી. આ દરમિયાન મોટેલ મેનેજર રાકેશભાઈ પટેલ શું થઈ રહ્યું છે તે જોવા માટે બહાર આવ્યા. શંકાસ્પદ વ્યક્તિ તેમને નજીક આવીને ગોળી મારતાં તેમનું મૃત્યુ થયું હતું. જો કે ઈજાગ્રસ્ત મહિલા ગમે તેમ કરીને સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહી હતી.
આરોપી અને પોલીસ વચ્ચે અથડામણ
રોબિન્સન ટાઉનશિપમાં બે વ્યક્તિઓને ગોળી માર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિ યુ-હૌલ વાન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઇસ્ટ હિલ્સમાં વિઘ્નર ડ્રાઇવ પર શોધી કાઢ્યો હતો. પોલીસ અધિકારીઓ વાન પાસે પહોંચ્યા ત્યારે આરોપી સ્ટેનલીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ અથડામણમાં પિટ્સબર્ગ પોલીસ અધિકારીને પગમાં ગોળી વાગી હતી, જ્યારે આરોપીને પણ ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ છે.
ત્રણ દીકરીઓ નિરાધાર
મૃતક રાકેશ પટેલના પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ છે. પરિવારની પરિસ્થિતિ પહેલેથી જ કપરી રહી છે. મૃતકના સાળા અને સીંગોદ ગામના વતની જિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, મારા બનેવી રાકેશભાઈ ખૂબ જ સરળ અને નિખાલસ હતા. તેઓ હંમેશાં મદદરૂપ થતા હતા. તેમના પરિવાર પર અગાઉ પણ મુશ્કેલીઓ આવી છે. 2013માં થયેલા ભયાનક કાર અકસ્માતમાં મોટી દીકરીનો એક હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો, જ્યારે બીજા નંબરની દીકરીને પણ કિડની અને ફેફસાંની ગંભીર તકલીફ છે. સૌથી નાની દીકરી માત્ર 9 વર્ષની છે.

