ગાંધીનગરઃ રૂપાલ ગામમાં નોમ એટલે કે મંગળવારની રાત્રે વરદાયિની માતાનો પલ્લીનો મેળો ભરાયો હતો. મહાભારત કાળથી ગામમાં કાઢવામાં આવતી આ પલ્લી મેળામાં આ વખતે જાણે શ્રદ્ધાનો મહાસગાર છલકાયો હોય તેમ 12 લાખથી પણ વધુ ભક્તો ઊમટી પડ્યા હતા. એટલું જ નહીં આ ભક્તો દ્વારા પલ્લી પર પાંચથી સાડા પાંચ લાખ કિલો ચોખ્ખા ઘીનો અભિષેક કરાયો હતો. બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર રૂ. 35 કરોડના ઘીનો અભિષેક કરાયો છે. પલ્લી પર ઘીના અભિષેકથી સમગ્ર ગામમાં ચોખ્ખા ઘીની નદીઓ વહેતી હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.
શું છે મહત્ત્વ?
પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલાં પોતાનાં શસ્ત્રો ખીજડાના એક વૃક્ષ પર સંતાડ્યાં હતાં. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરી તેમણે પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.
12 લાખથી વધુ ભક્તો ઉમટ્યા
વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે પલ્લીમેળામાં 12 લાખથી પણ વધુ ભક્તો ઊમટ્યા હતા. મંગળવારની મધ્યરાત્રી બાદ પલ્લીની વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો દ્વારા પૂજનવિધિ પછી વહેલી પરોઢે 4 વાગ્યે માતાજીની પલ્લીનું મોટા માઢમાંથી પ્રસ્થાન કરાયું હતું. આ પલ્લી ગામના 27 ચોરા-ચકલાથી ફરીને સવારે 7:15 વાગ્યે મંદિરે આવી હતી.

