સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસઃ ધરપકડ બાદ BCIથી સસ્પેન્ડ

Wednesday 08th October 2025 06:25 EDT
 
 

નવી દિલ્હીઃ સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં એક આશ્ચર્યજનક તેમજ આંચકાજનક ઘટના બની. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર. ગવઈ પર એક વકીલ રાકેશ કિશોર દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારા વકીલને સિક્યુરિટી ગાર્ડ દ્વારા પકડીને પોલીસને સોંપાયો હતો. CJI એક કેસની સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે એક વકીલ રાકેશ કિશોરે ઉશ્કેરાઈ જઈ તેમની તરફ જૂતું ફેંક્યું હતું. જો કે આ જૂતું CJI ની બેન્ચ સુધી પહોંચી શક્યું નહોતું.
સુરક્ષા કર્મીઓ દ્વારા તરત જૂતું ફેંકનારા વકીલને પકડીને બહાર લઈ જવાયા હતા. બહાર જતાં વકીલ દ્વારા નારા લગાવાયા હતા કે, ‘સનાતન ધર્મ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન’. આ ઘટના પછી તરત સ્વસ્થ થઈ ગયેલા CJIએ કેસમાં પોતાની દલીલો ચાલુ રાખવા વકીલોને કહ્યું હતું.
CJIએ કહ્યું હતું કે, આ ઘટનાથી પરેશાન ન થાઓ, હું પણ પરેશાન નથી. આવી ઘટનાથી મને કશો ફરક પડતો નથી. ઘટનાને પગલે કોર્ કાર્યવાહી થોડો સમય બંધ રહી હતી પણ પછી સ્થિતિ સામાન્ય થતાં કામકાજ રાબેતા મુજબ ચાલ્યું હતું.
CJI દ્વારા મૂર્તિની ટિપ્પણીથી નારાજગી
CJI એ 16 સપ્ટેમ્બરે ખંડિત મૂર્તિની બહાલની માગણી કરતી અરજી ફગાવી હતી અને કહ્યું હતું કે, ‘જાઓ ભગવાનને જાતે જ આ મૂર્તિ રિપેર કરવાનું કહો. તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્તનો દાવો કરો છો, તો જાઓ તેમને પ્રાર્થના કરો કે તેમની ખંડિત મૂર્તિ જાતે જ સરખી થઈ જાય.’ ખજુરાહોનાં જવારી (વામન) મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિની બહાલીની માગણી કરતી અરજીને 16 સપ્ટેમ્બરે CJIએ ફગાવી હતી. આ ચુકાદાથી અરજદાર નારાજ થયા હતા.


comments powered by Disqus