બિલાસપુરઃ મંગળવારે સાંજે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક પેસેન્જર બસ પર પહાડી શિલાઓ પડી. આ ઘટનામાં 15 લોકોના મોતનો દાવો કરાયો છે, તો બે બાળકો સહિત ત્રણ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યાં છે. અકસ્માત બાદ તરત જ SDRF, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. બિલાસપુરના પોલીસ અધીક્ષક સંદીપ ધવલે જણાવ્યું કે, મોટાભાગની શિલાઓ દૂર કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના બિલાસપુર સહિતના અનેક જિલ્લામાં મંગળવારે સવારથી ભારે વરસાદ પડ્યો, જેમાં અનેક સ્થળે લેન્ડ સ્લાઇડની ઘટના બની હતી. આ સ્થિતિના પગલે અનેક સ્થળે મુસાફરો ફસાઈ ગયા હતા. આ સ્થિતિમાં સાંજે 6:25 વાગ્યે મરોટનથી ઘુમરવિન જઈ રહેલી બસ પર બર્થિન નજીક ભાલુ ખાતે અચાનક પહાડી શિલાઓ બસ પર પડી હતી. જેમાં 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘બિલાસપુર અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી ખૂબ દુઃખ થયું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળથી મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50 હજાર આપવામાં આવશે.’

