1921 અમદાવાદ કોંગ્રેસ અધિવેશનથી સ્વદેશી ચળવળ તેજ બની

Wednesday 09th April 2025 06:07 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસનું મળનારું આ છઠ્ઠું મહાઅધિવેશન છે. આ અગાઉ આઝાદીના સંગ્રામની પૃષ્ઠભૂમિથી લઈને અખંડ ભારતના નિર્માણ અને ગુજરાત સર્જનની તવારીખો ગુજરાતમાં યોજાયેલા કોંગ્રેસના 5 અધિવેશનમાં સમાયેલી છે. અમદાવાદમાં 1902-1921માં કોંગ્રેસ અધિવેશનો યોજાયાં, જેમાં 1921નું અધિવેશન ગાંધીજીએ બ્રિટિશરાજ વિરુદ્ધ અસહકારની ચળવળ બાદ ત્વરિત યોજાયું, ‘સ્વદેશી અપનાવો’ની ચળવળ અહીંથ બુલંદ બની હતી.
છેલ્લે 1961માં યોજાયેલા કોંગ્રેસ અધિવેશન બાદ 64 વર્ષ અને કેન્દ્રમાંથી સત્તા ગુમાવ્યાનાં 11 વર્ષ બાદ ફરી કોંગ્રેસ ગુજરાતમાં અધિવેશન યોજી શાસનની ધુરા હાથમાં લેવા પ્રયત્ન કરશે.
1902 – અમદાવાદ અધિવેશન અધ્યક્ષ: એસ. સુબ્રહ્મણ્યમ અય્યર
મહત્ત્વ: આ 18મા અધિવેશનમાં ગુજરાતમાં જાગૃતિ અને રાષ્ટ્રવાદી ભાવના જગાવવાનો તે પ્રારંભિક પ્રયાસ હતો. શિક્ષિત ગુજરાતીઓ અને સ્થાનિક ભદ્રલોકોમાં કોંગ્રેસનો આધાર મજબૂત થયો.
1921 – અમદાવાદ અધિવેશન અધ્યક્ષ: ચિતરંજન દાસ દેશબંધુ
મહત્ત્વ: આ અધિવેશન અસહકાર આંદોલન પછી સાબરમતી આશ્રમ પાસે યોજાયું. અહીં વિદેશી માલના બહિષ્કાર, ખાદીના પ્રચાર અને અહિંસક ચળવળ અંગે ઠરાવ પસાર કરાયા.
1938 – હરિપુરા અધિવેશન અધ્યક્ષ: સુભાષચંદ્ર બોઝ
મહત્ત્વ: બોઝે સ્વતંત્ર ભારત માટે પ્રગતિશીલ અને ઔદ્યોગિક દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આ અધિવેશન ગાંધીવાદીઓ અને બોઝ વચ્ચેની વિચારધારાની અસમાનતાને કારણે યાદગાર છે. અધિવેશન બાદ બોઝે કોંગ્રેસથી છૂટા પડી ફોરવર્ડ બ્લોકની રચના કરી હતી.
1950 – જૂનાગઢ અધિવેશન અધ્યક્ષ: પુરુષોત્તમદાસ ટંડન
​​​​​​​મહત્ત્વ: ભારતની આઝાદી બાદ સૌરાષ્ટ્રના રજવાડાંમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા અધિવેશન યોજાયું. સરદારના પ્રયત્નો બાદ જૂનાગઢ પાકિસ્તાનને બદલે ભારતમાં ભળતાં તે જૂનાગઢમાં યોજાયું.
1961 – ભાવનગર અધિવેશન અધ્યક્ષ: નીલમ સંજીવ રેડ્ડી
મહત્ત્વ: 1960માં બોમ્બે રાજ્યથી અલગ બનેલા ગુજરાત રાજ્યમાં ગુજરાતીઓનું સમર્થન મેળવવા આ અધિવેશન યોજાયું. દરમિયાન રાજ્યમાં સ્વતંત્ર પાર્ટીનો ઉદય થતો ખાળવા, ઉદ્યોગપતિઓ, પૂર્વ રાજવી પરિવારોનું સમર્થન મેળવવાનો
આશય હતો.


comments powered by Disqus