દ્વારકાઃ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી દ્વારા જામનગરથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની આશરે 120 કિ.મી.ની પદયાત્રા રામનવમીના પાવન દિવસે સંપન્ન થઈ છે. શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા હતા. અનંતે પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું, તથા શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે અનંતે પોતાનો જન્મદિન તેમનાં માતા નીતા અંબાણી અને તેમનાં પત્ની રાધિકા અંબાણી સાથે ત્યાં જ ઊજવ્યો હતો.
આ પ્રસંગે 400થી ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતાં મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા. દ્વારકા નગરીને જુદાજુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદભુત પ્રદર્શન થકી શોભાવી હતી.
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અનંતની પદયાત્રાની પૂર્ણાહુતિને ઊજવવા દ્વારકાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં જગતમંદિરને રોશનીથી ઝળહળતું કરાયું હતું. આ પદયાત્રાના વધામણા કરતા રબારી-માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું હતું.