અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા: ખડગે

Wednesday 09th April 2025 06:07 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં 64 વર્ષ બાદ 8 અને 9 એપ્રિલે કોંગ્રેસ અધિવેશન મળ્યું. અમદાવાદમાં 8 એપ્રિલે સરદાર સ્મારક ખાતે બપોરે 11:50 વાગ્યાથી 3:50 વાગ્યા સુધી કોંગ્રેસની (કોંગ્રેસ વર્કિંગ કમિટી) CWCની બેઠક મળી હતી. 158 સભ્યોની હાજરી સાથે 4 કલાક ચાલેલી આ બેઠકમાં સરદાર પટેલ પર એક પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ આખી બેઠકમાં સરદાર જ કેન્દ્રસ્થાને રહ્યા હતા. આ બેઠક બાદ તમામ CWC સભ્યોને ‘PATEL A LIFE’ બુક અપાઈ હતી. બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું હતું.
અમે પ્રેરણા-શક્તિ લેવા આવ્યાઃ ખડગે
CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસને 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસ દ્વારા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું, જેની થીમ ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ’ રાખવામાં આવી છે. આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે.
પી. ચિદમ્બરમની તબિયત લથડી
CWCની બેઠક બાદ સાંજે 6:30 વાગ્યે સાબરમતી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. જો કે ચાલુ પ્રાર્થનાસભા દરમિયાન પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડી હતી. કાર્યક્રમ દરમિયાન તેઓ બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક ઝાડયસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાર્થનeસભા પૂર્ણ થતાં રાહુલ, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રવાના થઈ ગયાં હતાં.
રાહુલ-સોનિયા મોડાં પડ્યાં, પ્રિયંકાની ગેરહાજરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ 10:30 વાગ્યે અમદાવાદ પહોંચ્યાં. એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે બંને નેતાઓ અમદાવાદ પહોંચવામાં અડધો કલાક મોડા પડ્યાં હતાં. જો કે પ્રિયંકા ગાંધી અધ્યક્ષની મંજૂરી લઈને CWCમાં ગેરહાજર રહ્યાં હતાં.
રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કેમ?
અમદાવાદઃ સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1924માં રાષ્ટ્રીય અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સંયોગથી આ વર્ષ તેનું શતાબ્દી વર્ષ છે. કોંગ્રેસનો આ પ્રયાસ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના રાજકીય વારસાને પાછો મેળવવાના પ્રયાસ તરીકે જોવાઈ રહ્યો છે. એટલા માટે કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતનો રસ્તો પસંદ કર્યો. સરદાર સ્મારકમાં બેઠક યોજવા પાછળનો તર્ક એ છે કે, અહીં સરદાર પટેલ જેવા લોખંડી મહાપુરુષનો ઓરા છે. ઊર્જાનો સંચાર થાય તે માટે અહીં બેઠક યોજાઈ છે.
સરદાર સ્મારકની જાળવણીની ગ્રાન્ટ પણ બંધ કરી દેવાઈ
એક તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સરદાર પટેલની વિશાળ પ્રતિમા ઊભી કરાઈ છે, ત્યારે બીજી તરફ સરદાર પટેલની લીટી ટૂંકી કરવા પ્રયાસો થઈ રહ્યા છે તેવો ઉલ્લેખ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે, આજે સરદારની ભૂમિ કરમસદનું નામ મિટાવી દેવા પ્રયત્ન કરાઈ રહ્યો છે. મોટેરા સ્ટેડિયમ પરથી સરદાર પટેલનું નામ ભૂંસી નાખવામાં આવ્યું છે, ત્યારે વિરોધીઓને સંદેશો આપીશું. ગોહિલે એ વાત પણ કહી કે, ડો.મનમોહનસિંહની સરકારે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકના નિર્માણ માટે રૂ. 17 કરોડ આપ્યા હતા, જ્યારે આ કેન્દ્ર સરકારે તો સરદાર સ્મારકની જાળવણી માટેની ગ્રાન્ટ પણ બંધ કરી દીધી છે.


comments powered by Disqus