કચ્છમાં 13 કરોડ વર્ષ પહેલાં કોરલ રીફ બહાર આવતાં નદીઓ બની હતી

Wednesday 09th April 2025 06:06 EDT
 
 

ભુજઃ ભારતના પશ્ચિમ છેડે આવેલો સરહદી જિલ્લો કચ્છ ભૌગોલિક રીતે અનેક ફોસિલ્સનો ખજાનો ધરાવે છે. ભુજના સુખપર ગામની ઝડકો અને ઝડકી નદી પાણીના પ્રવાહ દ્વારા જુરાસિક ખડકોને કોતરીને બની હતી એવું અનેક ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે. મૂળ કચ્છના અને હાલમાં લંડનમાં રહેતા સંશોધક ડો. હિરજી ભુડિયાએ જણાવ્યું કે, અહીંના કોરલ રીફનાં સ્તરોની રેડિયો આઇસોટોપિક ડેટિંગથી કોઈએ અભ્યાસ કર્યો નથી.
અહીં ફોસિલ્સ સંબંધિત તથ્યો પણ જણાઈ આવ્યાં છે. અહીં અલગ-અલગ રંગોના ખરબચડા ખડકો જોવા મળે છે. તે દરિયાઈ પાણીની અંદર થતી કોરલ રીફ છે અને તેમાં વિવિધ રંગના સી સ્પોન્જ જેવા જીવો હોય છે. અભ્યાસમાંથી કરેલાં તારણો મુજબ 13 કરોડ વર્ષ પહેલાં દરિયાનાં છીછરાં પાણીમાંથી આ કોરલ રીફ બહાર આવ્યાં છે. જેમાં પાણીનું વહેણ થાય છે જેથી આ નદી કચ્છની પ્રાચીન નદી પૈકી એક છે. ઝડકો અને ઝડકી નદી આગળ જતાં રતિયા ગામની એક નદી સાથે મળે છે, આગળ જતાં ખારી નદીમાં ભળી જઈને રુદ્રમતા સુધી જાય છે.
કેવિંગ્સ દ્વારા આ નદી જોડાયેલી
ઝડકો અને ઝડકી નદી વાસ્તવમાં સમુદ્રની નીચે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા કોરલ રીફ છે અને જુરાસિક સમય પહેલાં સમગ્ર કોરલ રીફનું અવશેષીકરણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તે કોરલ રીફમાં ગુફાઓ અને પાણીની અંદરની ટનલ હતી. આ બંને નદીઓ ઝડકો અને ઝડકી અંડર ગ્રાઉન્ડ ટનલ (કોરલ કેવિંગ્સ) દ્વારા જોડાયેલા છે, તેથી ઝડકો બાજુથી લેવામાં આવતાં પાણીને ઝડકી બાજુ તેની ભૂગર્ભ જળ ટનલ કેવિંગ્સ દ્વારા ભરાય છે.
કચ્છમાં આવી અનેક પ્રાચીન નદી
કચ્છની નદીઓ અતિપ્રાચીન છે. ગંગા, યમુના, સિંધુ-સરસ્વતી એ કચ્છની પ્રાચીન નદીઓની ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ડોટર છે. હિમાલય અને હિમાલયના અશ્મિના અભ્યાસના અહેવાલ મુજબ લગભગ 6.5થી 7 કરોડ (65-70 મિલિયન વર્ષ) વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. ગંગા નદીનું અવતરણ લગભગ 55 મિલિયન વર્ષો પહેલાં કહેવાય છે. કુદરતી રીતે ગંગા, સિંધુ, સરસ્વતી હિમાલયના અસ્તિત્વ પહેલાં અસ્તિત્વમાં નહોતી.


comments powered by Disqus