અમદાવાદઃ મહેસાણામાં એક વર્ષ પહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરતાં દારૂનો જથ્થો મોકલનારામાં રાજસ્થાનના ચુરુમાં રહેતા તૌફિક ખાનનું નામ સામે આવ્યું હતું. ગુનો આચર્યા બાદ તે દુબઈ ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપી સામે લૂકઆઉટ અને રેડકોર્નર નોટિસ ઇશ્યૂ કરીને સંયુક્ત આરબ અમિરાત સરકારને જાણ કરી હતી, જેથી દુબઈની સ્થાનિક પોલીસે તેને ઝડપી કેરળના કોચી એરપોર્ટ પર ડિપોર્ટ કરતાં એસએમસી દ્વારા ધરપકડ કરાઈ છે.
મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં માર્ચ મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ રૂ. 38 લાખના વિદેશી દારૂ સાથે રૂ. 62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસની તપાસમાં દારૂ મોકલનારા તરીકે તૌફિક ખાન નઝીરખાનનું નામ સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે તે દુબઈ નાસી ગયો હતો, જેથી એસએમસીના વડા નિર્લિપ્ત રાયે ગૃહ વિભાગમાં આરોપી તૌફિક ખાન વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ અને ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ ઇશ્યૂ કરાઈ હતી.
આ અંગે દુબઈમાં જાણ કરી પ્રોવિઝનલ એરેસ્ટ દરખાસ્ત રજૂ કરાતાં યુએઈ સરકારે 2 એપ્રિલે તેને દુબઈથી કેરાલાના કોચી એરપોર્ટ પર ડિપોર્ટ કરતાં તેની ધરપકડ કરાઈ હતી.