સુરતઃ મોટા વરાછામાં રહેતા અને કેનેડામાં સ્ટોર ચલાવતા યુવકની પાડોશીએ જ છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા હત્યા કરનારાની ધરપકડ કરીને તપાસ શરૂ કરાઈ છે.
કેનેડામાં અભ્યાસ કરતા અને પરિવાર સાથે નોકરી કરવા માટે જતા ગુજરાત સહિત ભારતના નાગરિકોની સુરક્ષા ઘણીવાર જોખમાય છે. સુરતથી સ્ટુડન્ડ વિઝા પર ગયેલા યુવકને શનિવારે પાડોશમાં રહેતા સિનિયર સિટીઝને છરીના ઘા ઝીંકીને પતાવી દીધો હતો. સુરત માટે આ ચોંકાવનારી ઘટના બની હતી. ભાવનગર જિલ્લાના નોંધણવદર ગામનો વતની અને સુરતમાં મોટા વરાછામાં રહેતો ધર્મેશ કથીરિયા 2019માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. ધર્મેશ કેનેડાના ઓટાવા નજીક એક સ્ટ્રીટ ખાતે પત્ની રવિના સાથે રહેતો હતો. ધર્મેશ કેનેડા ખાતે ડિપાર્ટમેન્ટલ સ્ટોલ ચલાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ 5 એપ્રિલે ધર્મેશને તેના જ પાડોશી સિનિયર સિટીઝને કોઈક કારણોસર એક સ્ટ્રીટ ખાતે જ છરીના ઘા ઝીંક્યા હતા. જો કે સ્થળ પરથી જ સિનિયર સિટીઝનની ધરપકડ કરી લેવાઈ અને ધર્મેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે છરીના ઘા જીવલેણ નીવડતાં તેનું મોત થયું હતું.
ગુજરાતી સમાજ મદદે આવ્યો
સુરતના મોટા વરાછામાં રહેતા અને કેનેડામાં હત્યા થનારા ધર્મેશ વલ્લભભાઈ કથીરિયાના મૃતદેહને ભારતમાં લાવવા માટેની પરિવાર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. સૂત્રો મુજબ ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે 15 હજાર ડોલરનો ખર્ચ થવાનો છે. આ ખર્ચ કેનેડામાં રહેતા ગુજરાતી લોકો ઉઠાવવાના હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે મદદે આવ્યા છે.