અમદાવાદઃ ગાંધીઆશ્રમ સાથે સંકળાયેલા ટ્રસ્ટને ત્યાંથી દૂર કરવા મામલે તુષાર ગાંધીએ કરેલી જાહેરહિતની રિટ હાઇકોર્ટે ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે પણ પિટિશન દાખલ કરવામાં અક્ષમ્ય વિલંબને ધ્યાને લઈ ફગાવી દીધી છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વિવિધ ટ્રસ્ટને ત્યાં ચાલુ રાખવા માટે પિટિશનમાં માગ કરી હતી.
મ્યુનિ.ની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર અરુણ ગાંધીએ 2021માં હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી રજૂઆત કરી હતી કે, રૂ. 1200 કરોડ ખર્ચી સરકાર ગાંધીઆશ્રમને ડેવલપ કરવા માગે છે. પરંતુ ગાંધીજીએ સ્થાપેલા ટ્રસ્ટને જો અહીંથી દૂર કરાય તો વ્યાપક નુકસાન થતાં ગાંધી વિચારધારાને પણ નુકસાન થશે. કેટલાંક ટ્રસ્ટ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાંધી વિચારધારા સાથે નાગરિકોના ઉત્થાનનું કામ કરી રહ્યાં છે. સરકારે જણાવ્યું હતું કે, આ માટે કોઈપણ પક્ષ કાઉન્સિલ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રજૂઆત કરી શકે છે.