ગુજરાતથી અમેરિકામાં થતી રૂ. 80,000 કરોડ ઉપરાંતની નિકાસને અસર થશે

Wednesday 09th April 2025 06:07 EDT
 
 

વડોદરાઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડીને ભારત પર 26 ટકા ટેરિફ ઝીંક્યો છે. જેના કારણે ગુજરાતના ઉદ્યોગો દ્વારા અમેરિકામાં થતી રૂ. 80,000 કરોડથી વધુની નિકાસને પણ આ ટેરિફની અસર થશે. સ્વાભાવિક છે કે, ટેરિફના કારણે અમેરિકામાં આ વસ્તુઓ મોંઘી થશે. મળતી વિગતો પ્રમાણે ગુજરાતથી વિવિધ દેશોમાં રૂ. 11 લાખ કરોડથી વધુની 2000 કરતાં વધારે પ્રોડ્કટસની નિકાસ કરાય છે.
આ નિકાસ કરાતી પ્રોડક્ટ્સ પૈકીની 10 ટકા નિકાસ અમેરિકામાં થાય છે. તેમાં સૌથી વધારે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ એટલે કે દવાઓ આવે છે. ત્રીજા ક્રમે ડાયમંડ છે. અમેરિકન પ્રમુખે કરેલી જાહેરાત પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ, સેમિ કંડક્ટર્સ, કોપર અને એનર્જી પ્રોડક્ટ્સ પર 0 ટકા અને બાકીની પ્રોડક્ટ્સ પર 27 ટકા ટેરિફ લાગશે. તેના કારણે ગુજરાતથી સૌથી વધારે નિકાસ થતી પેટ્રોકેમિકલ પ્રોડક્ટ પર અને ફાર્માસ્યુટિકલ પ્રોડકટ્સ ટેરિફમાંથી અત્યારે બાકાત રહી શકી છે. બાકીની મોટા ભાગની પ્રોડક્ટ્સને 27 ટકા ટેરિફનો આંચકો સહન કરવાનો વારો આવશે.
2024-25ના નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ગુજરાતનાં વિવિધ પોર્ટ પરથી રૂ. 25,500 કરોડની પેટ્રોકેમિકલ અને રૂ. 10,000 કરોડની ફાર્મા પ્રોડક્ટ્સ અમેરિકામાં એક્સપોર્ટ થઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતથી થયેલી નિકાસનો આંકડો રૂ. 1.12 લાખ કરોડ જેટલો થવા જાય છે.
ગુજરાતમાં દવાઓ બનાવતા 3 હજારથી વધુ પ્લાન્ટ
અમેરિકામાં થતી નિકાસમાં વડોદરાની અને ગુજરાતની ફાર્મા કંપનીઓનો મોટો ફાળો છે. વડોદરામાં લગભગ 15 જેટલા પ્લાન્ટ એવા છે જેમાં બનતી દવાઓ અમેરિકામાં વેચાય છે, કારણ કે અમેરિકામાં ભારત 12 અબજ ડોલરની દવાઓ એક્સપોર્ટ કરે છે. તેમાં ગુજરાતનો લગભગ 3 થી 4 અબજ ડોલરનો ફાળો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં દવાઓના લગભગ 3000 જેટલા પ્લાન્ટ્સ છે.
અમેરિકામાં વેચાતી 45 ટકા જેનેરિક દવાઓ ભારતમાં બનેલી હોય છે. અત્યારે તો અમેરિકાએ ફાર્મા પ્રોડક્ટસને ટેરિફમાંથી બાકાત રાખી છે, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જલ્દી દવાઓ પર પણ અસાધારણ ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. વડોદરા ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના એક્ટિંગ પ્રેસિડેન્ટ ભરતભાઈ દેસાઈનું કહેવું છે કે, ટ્રમ્પ શું કરશે તે કહેવું મુશ્કેલ છે પણ તેમની લેટેસ્ટ જાહેરાતથી ફાર્મા ઉદ્યોગોનું ટેન્શન વધ્યું છે તે ચોક્કસ છે. આ ટેરિફના કારણે અન્ય ઉદ્યોગોને પણ અસર થશે અને રોજગારી પર વિપરીત અસર થઈ શકે.


comments powered by Disqus