જૂનાગઢઃ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જો કે આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
વેપારી અદ્રેમાન પંજાના જણાવ્યા મુજબ, 8થી 10 દિવસથી માત્ર 200-300 બોક્સ કેરીની આવક થઈ રહી છે. આ આંકડો ગતવર્ષની 1500-2000 બોક્સની સરખામણીમાં ઘણો ઓછો છે. હાલ 10 કિલોના બોક્સના ભાવ રૂ. 1000થી 1500 બોલાય છે. વર્તમાનમાં તાલાળા પંથકથી કેસર કેરી આવી રહી છે. વાતાવરણમાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ કારણે આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે.
અહો આશ્ચર્યમ...
સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, આફૂસ કેરી અથવા લંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે અમરેલી જિલ્લાના ધારીના ગીતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટીના ઘરઆંગણે એક જ આંબા પર એકસાથે 14 પ્રકારની અલગ-અલગ પ્રકારની કેરીઓ ઝૂલી રહી છે. આ કેરીઓમાં પ્રખ્યાત એવી આફૂસ અને કેસર કેરી તો છે જ, સાથોસાથ ગુજરાતની અને અન્ય રાજ્યોમાં પાકતી કેરીઓ પણ સામેલ છે, જે આકર્ષણરૂપ છે. આ કેરીઓ નજીકના દિવસોમાં આ કેરીઓ બજારમાં વેચાવા પણ આવશે.
કેરીના વાવેતરમાં ધાર પંથકનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં અગ્રિમ પંક્તિનું રહ્યું છે. એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરી ઉગાડવાનો સફળ પ્રયોગ કરનારા બાગાયતકાર ઉકાભાઈ ભટ્ટી જણાવે છે કે, પોતાને 20 વીઘા જમીન છે જેમાં આંબાનો બગીચો છે. પોતાના નિવાસસ્થાને દેશી આંબાનું વાવેતર 25 વર્ષ પહેલાં કરાયું હતું. જેમાં અન્ય રાજ્યોની લુપ્ત થતી 14 પ્રકારની કેરીને ઉગાડવાનો સફળ પ્રયોગ કર્યો છે.
આ માટે ખૂંટા કલમ દ્વારા અલગ અલગ જાતની ગ્રાફ્ટિંગ કલમો તૈયાર કરીને આ પ્રયોગ કર્યો છે, અને તેમાં સફળતા પણ મળી છે. અહીં આ આંબામાં સિંદૂરીયો, રાજસ્થાનમાં લુપ્ત થયેલ કાળો જમાદાર, વલસાડની નીલમ ઉપરાંત સૌરાષ્ટ્ર તેમજ રાજ્યભરની કેરીઓ છે. આ ઉપરાંત દેશી વૃક્ષ પર ખૂંટા મારીને આમ્રપાલી, દશેરી, બેગમ, નિલેશાન નામની કેરીઓની જાત પણ વિકસાવી છે. આ ઉપરાંત નાળિયેરો, ગુલાબીયો, દાડમો, વરિયાળીયો, સરદાર, પાયલોટ, આષાઢિયો જેવી કેરીઓ એના આંબામાં લટકી રહી છે.