સુરતઃ 8 વર્ષ અગાઉ વર્ષ 2017માં સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનારા જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે 4 એપ્રિલે તેને દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન્સ જજની કોર્ટે શાંતિસાગરને 10 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.
શાંતિસાગર ઓક્ટોબર, 2017થી જેલમાં છે. સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર 2027માં જેલમુક્ત થશે. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતી.
શું હતી ઘટના?
કેસની વિગત મુજબ ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવાઈ હતી અને જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરે તેના પર પાશવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતાં આરોપી શાંતિસાગરની ધરપકડ કરાઈ હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થતાં કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.
પીડિતા પાસે નગ્ન ફોટો મગાવ્યા હતા
આચાર્ય શાંતિસાગરે યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયારી માટે તેના આપત્તિજનક ફોટો મગાવ્યા હતા. તેણે તસવીરો માટે કેટલીક વખત ફોન અને વ્હોટ્સએપનો ઉપયોગ કર્યો હતો અને યુવતીને જણાવ્યું હતું કે, “મને તારો મિત્ર સમજ. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે.”