નવસારીઃ નવસારીમાં 37 વર્ષથી રહેતાં મહાત્મા ગાંધીજીનાં પ્રપૌત્રી નીલમબહેન પરીખનું 92 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. તેણી ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલનાં પુત્રી રામીબહેનનાં પુત્રી હતાં. તેઓનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું, જ્યાં શિક્ષણ લઈ અનેક વર્ષો વ્યારામાં રહ્યાં, જ્યાં દક્ષિણાપથ વિદ્યાલયમાં આચાર્યાપદે સેવા આપી હતી. ત્યારબાદ 1988થી નવસારીમાં તેમના પુત્ર ડો. સમીર પરીખ સાથે નવસારીમાં રહેતાં હતાં.. નીલમબહેન બાળપણમાં મુંબઈ રહેતાં ત્યારે મહાત્મા ગાંધીજીને મળતાં હતાં અને તેમના ખોળામાં પણ રમ્યાં હતાં.
‘ગાંધીજીનું ખોવાયેલું ધન’ પુસ્તક ચર્ચામાં રહ્યું
નીલમબહેન પરીખે 3 પુસ્તક લખ્યાં હતાં, જેમાં સૌથી વધુ ચર્ચામાં ‘ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી' પુસ્તક રહ્યું હતું. આ પુસ્તક પોતાના દાદા હરિલાલ વિશે રજૂ થયેલી ખોટી માહિતી સામે એક પ્રકારે જવાબ પણ હતો.