દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી જગતમંદિર ખાતે શનિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતથી 270 જેટલા સિંધી હિન્દુઓ દર્શન કરવા આવી પહોંચ્યા હતા. આ તમામ યાત્રાળુઓ ભારતનાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શનિવારે યાત્રાધામ દ્વારકા પહોંચ્યા હતા. દ્વારકામાં દર્શન કર્યા બાદ તેમણે બેટ દ્વારકા તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગનાં પણ દર્શન કર્યાં. આ તમામ 270 હિન્દુ પાકિસ્તાની રસ્તામાં આવતાં લગભગ તમામ ધાર્મિક સ્થળોએ દર્શન કરી હરિદ્વાર પહોંચશે, ત્યાં ગંગા નદીમાં ડુબકી લગાવી પાકિસ્તાન પરત થશે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં પણ ઘણા પાકિસ્તાની હિન્દુઓ આવ્યા હતા.