ભુજઃ ક્લાઇમેટ ચેન્જની વિશ્વ પર થઈ રહેલી અસરોને ઓછી કરવા અને તેની પ્રવૃત્તિને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2024-25 માટે જાહેર કરાયેલા ‘ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાનોની કેટેગરીમાં ભુજમાં સામાજિક સંસ્થાના પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી’ પ્રેરિત ‘અર્બન એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન’ પ્રોજેક્ટને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું હતું.
આ પ્રોજેક્ટના વિજેતાઓને સચિવાલય ખાતે રાષ્ટ્ર અને રાજ્યના પર્યાવરણ મંત્રીઓના હસ્તે શિલ્ડ તથા રૂ. 50 હજારનો પુરસ્કાર એનાયત થયો હતો. નવી પેઢી પર્યાવરણ વિશે વધુ સંવેદનશીલ બને એવા આશયથી પર્યાવરણની સ્થિતિ, સમસ્યાઓ અને ઉકેલોને સાંકળીને ભુજની સરકારી શાળાનાં બાળકો માટે ‘અર્બન એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન’ પ્રકલ્પ ઉપલબ્ધ કરાયો છે. ‘હોમ્સ ઇન ધ સિટી’ અંતર્ગત યુઈઈ પ્રોજેક્ટ દ્વારા છેલ્લાં બે વર્ષથી 12 સરકારી શાળાનાં ત્રણ હજાર બાળકોને રિડ્યુસ, રિયુઝ, રિસાઇકલ વગેરે ઉદ્દેશો વિશે અવગત કરવામાં આવે છે.