પોરબંદરઃ પશ્ચિમ અને પૂર્વ ભારતની ભાતીગળ લોકસંસ્કૃતિના સંગમસમાન માધવપુર મેળાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રામનવમી પર્વની સંધ્યાએ પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી યાત્રી સુવિધાઓનું લોકાર્પણ પણ કર્યું હતું મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવની ભવ્યતા છે. તેમણે ઉમેર્યું કે, માધવપુરનો મેળો માત્ર ધાર્મિકોત્સવ જ નહીં, પરંતુ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પરના પ્રેમનું જીવંત પ્રતીક છે.
ભગવાન શ્રીકૃષ્ણના પશ્ચિમ પ્રદેશ અને રુક્મિણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો જે સંકલ્પ આપ્યો છે તે આવા મેળામાં રજૂ થતી સંસ્કૃતિમાં વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ખાન-પાન, હસ્તકલાના આદાન-પ્રદાનથી સાકાર થાય છે.
કૃષ્ણ-રુક્મિણી લગ્ન સાથેનું મહાત્મ્ય
કૃષ્ણ અને રુક્મિણીના વિવાહ પ્રસંગની યાદમાં અહીં લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો વિધિવત રીતે ઊજવાય છે.
પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકા મોકલાય છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે. આ મેળામાં કચ્છના મેર જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, જેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. મેર જાતિના લોકો કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
ભગવાનનું ફુલેકું, કચ્છ સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયું, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરથી શ્રદ્ધાળુ લોકો આવે છે. આ મેળા માટેનું એક ગીત "માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન" જાણીતું છે, જે ગુજરાતમાં વિવાહ સમયે લગ્નગીત તરીકે પણ ગવાય છે.
આ મેળામાં નવપરિણીત યુગલો ખાસ જોડાય છે. આ સિવાય યુવાનો પણ તેમનાં મનપસંદ જીવનસાથી સાથે લગ્નની પ્રાર્થના કરતા જોવા મળે છે. અહીં ગવાતાં ભજન-કીર્તનમાં હવેલી સંગીતની સ્પષ્ટ છાપ સાંભળવા મળે છે.