ડીસાઃ વાવ તાલુકાના દેવપુરા ગામ નજીકથી પસાર થતી મેઇન કેનાલમાં થરાદના કિયાલ ગામના ગૌસ્વામી પરિવારની કાર ખાબકતાં 4 વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે એક મહિલા લાપતા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારમાં સવાર ત્રણ બાળકી સાથે તેના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ બાળકીઓની માતાની શોધખોળ હાથ ધરી હતી. બનાવના પગલે મૃતકનો પરિવાર દોડી આવ્યો હતો. બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર થરાદના કિયાલ ગામનો ગૌસ્વામી પરિવાર ત્રણ બાળકીઓ અને માતા-પિતા દિયોદરના ભેસાણ ગામે મંદિરે દર્શન કરવા ગયાં હતાં. તેઓ કિયાલ ગામે પરત ફરતાં મેઇન કેનાલના રોડ મારફતે થરાદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન વાવના દેવપુરા ગામ નજીક એકાએક તેમની કાર કેનાલમાં ખાબકતાં કાર સાથે પરિવાર પાણીમાં ડૂબી ગયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટર સહિત પોલીસે ઘટનાસ્થળે દોડી આવી કારને બહાર કાઢતાં તેમાંથી ત્રણ બાળકીઓ સહિત તેના પિતાના મૃતદેહ મળી આવ્યા હતા, તેમજ બાળકીઓની માતાની શોખધોળ હાથ ધરાઈ હતી.