સદનમાં વિપક્ષના ભારે વિરોધના વંટોળ વચ્ચે વકફ બિલ અમલી

Wednesday 09th April 2025 07:13 EDT
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વકફ (સુધારા) બિલ, 2025ને મંજૂરી પ્રદાન કરી છે. સંસદના બંને ગૃહ દ્વારા બિલને મંજૂરી પ્રદાન કરાયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા બિલને મંજૂરી પ્રદાન થતાં હવે બિલને કાયદાનું સ્વરૂપ મળ્યું છે. વકફ સુધારા બિલ મુદ્દે મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે સંસદના બંને ગૃહમાં આ બિલને મંજૂરી અપાય તે પહેલાં તેની પર લાંબી ચર્ચા કરાઈ હતી. પક્ષ-વિપક્ષના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો અને સાથે જ તેના વિશે પોતાના અભિપ્રાય આપવાની સાથે સુધારા પણ સૂચવ્યા હતા. રાજ્યસભાએ વકફ બિલને શુક્રવારે મળસ્કે પોતાની મંજૂરી આપી હતી. રાજ્યસભામાં બિલને સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. રાજ્યસભાએ પૂરા 17 કલાક સુધી બિલ પર ચર્ચા કરી હતી. લોકસભામાં પણ બિલને સતત 13 કલાક સુધી લાંબી ચર્ચા થઈ હતી અને તે બાદ લોકસભાએ બિલને પોતાની બહાલી આપી હતી.
કેરળની 400 એકર જમીન દલીલોનો આધાર બની
લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં 12-12 કલાક લાંબી ચર્ચામાં ઉગ્ર દલીલો જોવા મળી, અને આખરે આ વકફ બિલ સંસદમાં પસાર થયું. આ બિલની ચર્ચા દરમિયાન ભાજપે કેરળના એક નાનકડા ગામ મુનંબમની 400 એકર જમીનનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો. ભાજપે આ જમીન વિવાદને વકફ બિલના સમર્થનમાં પોતાની દલીલોનો આધાર બનાવ્યો હતો. 600 પરિવારના આ ગામની 400 એકર જમીન વકફના નામે નોંધાઈ ગઈ હતી. આ ગામના નિવાસીઓ છેલ્લા 173 દિવસથી આ મુદ્દે ભૂખ હડતાળ પર બેઠા છે.
ઓવૈસી, જાવેદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
વકફ સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભાથી પણ પસાર કરી દેવાયું છે. એવામાં હવે આ બિલને લઈને કોંગ્રેસના સાંસદ મોહંમદ જાવેદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં દાવો કરાયો છે કે, આ બિલ મુસ્લિમો સાથે ભેદભાવ કરનારું છે. તેમના પર એવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે કે જે પ્રતિબંધો અન્ય ધાર્મિક સંસ્થાઓના વહીવટમાં નથી. જ્યારે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા પણ વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું છે. ઓવૈસીએ સુપ્રીમમાં દાવો કર્યો છે કે, વકફ સંશોધન બિલની જોગવાઈઓ મુસ્લિમ સમાજના મૌલિક અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
કાયદો સ્વીકારવો જ પડશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આકરા પ્રહારો અને આંકડા સાથે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, આ બિલથી પારદર્શક ઓડિટ થશે. વકફના આદેશને અદાલતમાં પડકાર આપી શકાશે. પહેલા વકફનો નિર્ણય જ અંતિમ નિર્ણય હતો. આ મોટી ગેરસમજ છે કે આ અધિનિયમ મુસ્લિમોના ધાર્મિક આચરણ, તેમના દ્વારા દાનમાં અપાતી સંપત્તિમાં દખલ કરશે. લઘુમતીઓમાં તેમની વોટબેન્ક માટે ભય પેદા કરવા માટે આ ધારણા ફેલાવાઈ રહી છે. 2013માં 5 કલાકમાં સુધારા થયા. આ વખતે બંને ગૃહોમાં 16 કલાક ચર્ચા ચાલી છે. વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે. 2013ના બિલને કેથોલિક સંસ્થાએ અન્યાયપૂર્ણ ગણાવ્યું હતું. કાયદો ભારત સરકારનો છે, સ્વીકાર કરવો જ પડશે.
ખાસ સમુદાયની ભૂમિ પર નજરઃ ગૌરવ ગોગોઈ
કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, સરકારની નજર એક ચોક્કસ સમુદાયની જમીન પર છે, આવતીકાલે તેમની નજર અન્ય લઘુમતીની જમીન પર જશે. સુધારો એવો હોવો જોઈએ કે બિલ વધુ મજબૂત બને. તેઓ કહેવા માગે છે કે જે વ્યક્તિ 5 વર્ષ સુધી ઇસ્લામમાં માને છે, તે જ વકફ બનાવી શકે છે.
ભાજપે નીતિશ-નાયડુને કેવી રીતે મનાવ્યા?
લોકસભામાંથી વક્ફ બિલ પસાર થયું ત્યારથી એ જ ચર્ચા છે કે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ કોઈ જ રાજકીય ડ્રામા વગર કેવી રીતે સાથ આપી દીધો? ભાજપે ગયાવર્ષે ઓગસ્ટથી જ આનો ડ્રાફ્ટ બનાવીને ખાસ ટીમ દ્વારા ચંદ્રબાબુની ટીડીપી, નીતિશની જેડીયુ, ચિરાગની એલજેપી અને જયંત ચૌધરીની આરએલડીને એ સમજાવવાની કોશિશ કરી હતી કે આ બિલથી મુસ્લિમોનું ભલું થવાનું છે.
ભાજપે ગતવર્ષે 8 ઓગસ્ટે લોકસભામાં વક્ફ બિલ રાખ્યું ત્યારે જ ખુદ એને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એવું કરવાથી સહયોગી દળોમાં મેસેજ જાય તેવી ગણતરી હતી. એ પછી સહયોગી દળોનાં બધાં સૂચનો બધાનો સમાવેશ કર્યો.


comments powered by Disqus