અમદાવાદઃ 12 જૂને અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહોનાં અંગોની સોંપણી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ ભયાવહ અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલાક લોકોનાં માનવ અંગો હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. તો 260 મૃતદેહ સ્વજનોને સોંપી દેવાયાં છે.
6 પરિવારે સ્વજનનાં અંગો સ્વીકાર્યાં
સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, આ 16 પરિવાર પૈકી 6 પરિવારોએ તેમના સ્વજનના બાકી રહેલાં અંગો સ્વીકારી લીધાં છે અને તેમને લઈ ગયા છે. જો કે 9 પરિવારોએ સિવિલ હોસ્પિટલ તંત્રને વિનંતી કરી છે કે તેઓ જ બાકી રહેલાં અંગોની અંતિમવિધિ પૂર્ણ કરે. જ્યારે એક પરિવાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
તપાસમાં 3 મુદ્દા કેન્દ્રસ્થાને
અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાની તપાસમાં બોઇંગનાં બંને એન્જિન ફેલ થવા, ભેળસેળયુક્ત ઇંધણ અને પાવર ફેલ્યોરના ત્રણ મુદ્દા કેન્દ્રસ્થાને છે. આ સ્થિતિમાં પાઇલટનો અંતિમ સંદેશ ‘મે ડે’ અને રેટ સિસ્ટમ ચાલુ થઈ હતી, જે દર્શાવે છે કે બંને એન્જિન એક સાથે બંધ થઇ ગયા અથવા સમગ્ર ઈલેક્ટ્રિકલ સિસ્ટમ ફેલ થઈ હતી. AAIB ઇંધણમાં ભેળસેળની પણ તપાસ કરી રહ્યું છે. સાથે જ કોઈ દ્વારા ષડયંત્ર અંગે પણ તપાસી થઈ રહી છે. નિષ્ણાતોના મતે ટેકનિકલ ખામી અથવા મેકેનિકલ ગડબડ દુર્ઘટનાનું કારણ બની છે. ઉલ્લેખનીય છે કે, આવી ટેકનિકલ ખામી બોઇંગ 787 ડ્રીમલાઇનર સિરીઝમાં પહેલાં નથી જોવા મળી. કેપ્ટન સુમિત સભરવાલ પાસે 8,200 કલાકથી વધુનો ઉડાનનો અનુભવ હતો. તેમના 'નો થ્રસ્ટ' વાળો 'મે ડે' કોલ સંકેત છે કે દુર્ઘટના માનવીય ભૂલથી નથી સર્જાઈ. ુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ 11 જુલાઇ સુધી આવી શકે છે.
260 મૃતદેહો પરિવારને સુપરત કરાયા
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘DNA ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 260 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરાયા છે. આ 260 મૃતદેહ પૈકી 16 પરિવારનો ખાસ સંપર્ક કરાયો હતો, કારણ કે તેમનાં સ્વજનોના કેટલાંક અંગો હજુ પણ સિવિલ હોસ્પિટલમાં જ હતાં.’