ગાંધીનગરઃ ભારત સરકારમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવાર અને રવિવાર અમદાવાદમાં ખાતે રોકાણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમની સાથે મુલાકાત યોજી હતી. તેના બીજા જ દિવસે સોમવારે નવી દિલ્હી ખાતે સિનિયર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અમિત શાહ સાથે બેઠક યોજી છે.
હાલમાં ગુજરાતમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિની ઘડીઓ ગણાઈ રહી છે, બીજી તરફ વર્તમાનમાં ગુજરાત સરકારમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો પ્રવર્તી રહી છે. દરમિયાન માત્ર ત્રણ દિવસમાં અમદાવાદ અને દિલ્હીમાં એક પછી એક રાજ્યના સરકારના ત્રણ મંત્રી અને મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે બેઠક યોજતાં ભાજપનાં વર્તુળોમાં કુતૂહલ વ્યાપ્યું છે.
મનરેગા કૌભાંડમાં પુત્રો- ભાણેજની ધરપકડના પગલે દોઢ-બે મહિનાથી પંચાયત મંત્રી બચુ ખાબડ સરકારી વહીવટથી દૂર છે અને તેમને અઘોષિતપણે મંત્રીપદેથી હટાવી દેવાયા છે. આવી સ્થિતિમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ અને ગુજરાતમાં પણ ગમે ત્યારે નવા અધ્યક્ષની નિમણૂક થશે તેમ મનાય છે. દરમિયાન વિતેલા 10 દિવસમાં ગૃહમંત્રી અમિત શાહે બબ્બે વખત ગુજરાતની મુલાકાતે રહ્યા છે. ત્રણ દિવસમાં અમદાવાદમાં આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રીને મળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હી ખાતે હર્ષ સંઘવી અને બાદમાં કુંવરજી બાવળિયા સાથે બેઠક યોજી હતી.

