ભાવનગરઃ અમેરિકા ખાતે તાજેતરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ડ્રોન હરીફાઈમાં ભાવનગરના 2 વિદ્યાર્થી સાથેની અમદાવાદની નિરમા યુનિવર્સિટીની ટીમ પ્રથમ ક્રમે વિજેતા થઈ વર્લ્ડ ચેમ્પિયન બની છે. સાંપ્રત સમયમાં ડ્રોન ટેક્નોલોજી અનેક ક્ષેત્રે ઉપયોગી થઈ રહી છે, ત્યારે આ ડ્રોનની ડિઝાઇનની વિશ્વકક્ષાની સ્પર્ધામાં ભાવનગરના આયુષ ઉમંગભાઈ દેસાઈ તથા ભવ્ય વિરલભાઈ ગોરડિયા સાથેના 7 વિદ્યાર્થીની અમદાવાદ નિરમા યુનિવર્સિટીની ટીમે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દરવર્ષે અમેરિકામાં યોજાતી સ્ટુડન્ટ અનમેન્ડ એરિયલ સિસ્ટમ (SAUS)માં ઇન્ટરનેશનલ ડ્રોન ડિઝાઇન હરીફાઈમાં દુનિયાના વિવિધ દેશોની 75 ટીમ ભાગ લે છે.
અમેરિકામાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી આ ટીમમાં ઇલેક્ટ્રોનિક્સના વિવિધ વિભાગના 7 વિદ્યાર્થીની એક વર્ષની મહેનત રંગ લાવી છે. આ પહેલાં બેંગલુરુમાં યોજાયેલી અખિલ ભારતીય સ્પર્ધામાં 75 ટીમ પૈકી નિરમા યુનિવર્સિટીની ટીમે પ્રથમ નંબરે વિજેતા પદ પ્રાપ્ત કર્યું હતું. આમ ભાવનગરના વિદ્યાર્થીઓ સાથેની આ ટીમને દુનિયાભરમાં ટેક્નોલોજી ક્ષેત્રે ભારતનું નામ વધુ રોશન કર્યું છે.
ગુજરાતની ટીમના ડ્રોનની વિશેષતા
અમેરિકામાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી આ ટીમના ડ્રોનની ખાસિયત છે કે તે માત્ર રૂ. 5 લાખના ખર્ચે તૈયાર થયું છે. આ ઉપરાંત તે કાર્બન ફાઇબરના હાઇસ્પીડ કેમેરાવાળા ડ્રોન 300 ફૂટની ઊંચાઈ પર લઈ જવા, વિસ્તારનો નકશો બનાવવા, પે લોડ ડિલિવરી, જમીન પર ડ્રોન પાછું લાવવા સહિતનાં કાર્યો 30 મિનિટમાં પૂર્ણ કરી શકે છે.