નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચે સામ-સામો સંઘર્ષ ચાલ્યો એમાં ચીન અને તુર્કીએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. ચીન-તુર્કીએ આ સંઘર્ષને પોતાના શસ્ત્રો માટેની પરીક્ષણ લેબ બનાવી દીધી હતી. આ દાવો ઈન્ડિયન આર્મીના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે કર્યો હતો.
ચીને ભારતીય લશ્કરની સ્થિતિ જાણવા સેટેલાઈટ ગોઠવીને પાકિસ્તાનને માહિતી આપી હતી. બંને તરફના લશ્કરી અધિકારીઓની વાતચીત થઈ તે વખતે પાકિસ્તાનને ભારતીય લશ્કરની તૈનાતીની લાઈવ માહિતીની જાણકારી હતી. તેના આધારે પાકિસ્તાને ભારત સામે ત્યાંથી પીછેહઠ કરવાની શરત મૂકી હતી. તેનો અર્થ એ કે પાકિસ્તાનને ચીન પાસેથી લાઈવ અપડેટ્સ મળતા હતા.ભારતે વિવિધ ડેટાના આધારે 21 લક્ષ્યાંકો ઓળખી કાઢ્યા હતા. એમાંથી નવ લક્ષ્યાંકો પર નિશાન સાધવાનું લશ્કરી આયોજન થયું હતું. લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહના કહેવા પ્રમાણે ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર વખતે જે સંઘર્ષ ચાલતો હતો એને ચીને લાઈવ લેબ બનાવી દીધી હતી. ચાઈનીઝ બનાવટના શસ્ત્રોનું પરીક્ષણ કરવા માટે, તેની મારક ક્ષમતા ચકાસવા માટે ચીને આ સંઘર્ષમાં પરોક્ષ રીતે ઝંપલાવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની બેઠક થતી હતી ત્યારે પાકિસ્તાનને ચીન તરફથી લાઈવ અપડેટ્સ મળતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પાકિસ્તાને જે શસ્ત્રો વાપર્યા એમાંથી 81 ટકા શસ્ત્રો ચીનના હતા.
લશ્કરના આ સિનિયર અધિકારીએ કહ્યું કે સીધી રીતે ભલે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલતો હતો, પરંતુ આમ જોવા જઈએ તો ભારતની લડાઈ ત્રણ મોરચે હતી. ચીન ઉપરાંત તુર્કી પણ આમાં પરીક્ષણો કરતું હતું. તુર્કીએ તેના શસ્ત્રો પાકિસ્તાનને આપવાની સાથોસાથ ડ્રોન પણ આપ્યા હતા. ભારતમાં જે લશ્કરી ડ્રોન ઘૂસતા હતા એમાંથી મોટાભાગના તુર્કીના હતા. વળી, એ તુર્કીથી જ ઓપરેટ થતા હતા. તુર્કી એ ડ્રોનનું પરીક્ષણ કરી રહ્યું હતું. તુર્કી છેલ્લાં વર્ષોમાં લશ્કરી ડ્રોન ઉત્પાદક દેશ તરીકે ઉભર્યું છે.

