ઓલિમ્પિક્સ 2036 માટે અમદાવાદને હોસ્ટ સિટી તરીકે નોમિનેટ કરાયું

પી.ટી. ઉષા અને હર્ષ સંઘવી સહિત હાઇલેવલ ડેલિગેશન IOCના અધિકારીઓને મળ્યાં

Wednesday 09th July 2025 06:17 EDT
 
 

લુસાનેઃ ઓલિમ્પિક્સ 2036ની યજમાની માટે ભારતે વિધિવત્ અમદાવાદને હોસ્ટ તરીકે નોમિનેટ કર્યું છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ પી.ટી ઉષા, ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત કેન્દ્રીય રમતગમત મંત્રાલય અને ગુજરાતના પ્રતિનિધિઓનું ડેલિગેશન મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના લુસાનેમાં ઓલિમ્પિક કમિટીના મુખ્યાલય ખાતે અધિકારીઓને મળ્યું હતું અને ઓલિમ્પિક્સ-2036ની યજમાની માટેની પસંદગી તરીકે અમદાવાદનું નામ રજૂ કર્યું હતું. ભારતીય પ્રતિનિધિમંડળે ત્યાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તેઓ અમદાવાદમાં ઓલિમ્પિક 2036નું આયોજન કરવા માગે છે. આ રીતે ભારતે સત્તાવાર રીતે ઓલિમ્પિક 2036નું આયોજન કરવા તરફ એક પગલું આગળ વધ્યું છે.
શું કહ્યું IOC પ્રતિનિધિમંડળે?
આ અવસરે IOCએ ભારતીય પ્રતિનિધિમંડળને સમર ગેમ્સનું આયોજન કરવા માટે લેવાના જરૂરી પગલાં વિશે પણ માહિતી આપી હતી. એક પ્રેસ રિલીઝ દ્વારા પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, આ એક મહત્ત્વપૂર્ણ ચર્ચા હતી, જે દરમિયાન તેમને અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન કરવા વિશે કહેવામાં આવ્યું હતું.
પી.ટી. ઉષાએ શું કહ્યું?
ઓલિમ્પિક સમિતિના અધિકારીઓ સાથેની બેઠક બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનનાં પ્રમુખ પી.ટી. ઉષાએ કહ્યું કે, ‘ભારતીય ધરતી પર ઓલિમ્પિક માત્ર એક યાદગાર ઘટના જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ પર પણ તેની અસર પડશે.’ તમને જણાવી દઈએ કે આ પહેલાં ભારતે ઓક્ટોબર 2023માં IOCને પત્ર લખીને 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની માગ કરી હતી.
2032 ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જેલસમાં યોજાશે
તમને જણાવી દઈએ કે 2028 ઓલિમ્પિક લોસ એન્જલસમાં અને 2032 ઓલિમ્પિક બ્રિસ્બેનમાં યોજાશે, તેથી ભારતની નજર હવે 2036માં યોજાનારી ઓલિમ્પિક રમતો પર છે. ભારતની સાથે સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, તુર્કી અને ચિલી 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સની યજમાની માટે રેસમાં છે. તાજેતરમાં IOCએ યજમાન દેશની પસંદગી પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે.


comments powered by Disqus