સુરતઃ આરબીઆઇ અને સેબીથી મંજૂરી મેળવ્યા વગર 4 કંપની શરૂ કરીને 7થી 11 ટકા રિટર્નની લાલચ આપી શેરબજાર અને કરન્સી માર્કેટમાં રોકાણના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયું છે. જેમાં રોકાણના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલાતા હતા.
સુરત સાઇબર ક્રાઇમ પોલીસે કંપનીના કર્તાહર્તાની સુરતના ઉત્રાણ અને રાજકોટમાં મુખ્ય ઓફિસે તપાસ હાથ ધરી હતી, જેમાં ઓનલાઇન અને આંગડિયા થકી રૂ. 335 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. સુરત સાઇબર ક્રાઇમ સેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ બાતમીના આધારે ઉત્રાણના વીઆઇપી સર્કલ સ્થિત પ્રગતિ આઇટી પાર્કની બી બિલ્ડિંગમાં ઓફિસ નં. 914માં આઇવી ટ્રેડ નામની ઓફિસે દરોડા પડાયા હતા, જ્યાં વર્ષ 2022માં શરૂ કરાયેલી સ્કાયગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને આઇવી ટ્રેડ કંપનીનું કામકાજ ચાલતું હતું.
આ કંપનીઓ આરબીઆઇ અને સેબીની મંજૂરી વિના ઊંચા રિટર્નની લાલચ આપી શેર અને કરન્સી માર્કેટમાં રોકાણ કરાવતી હતી. આ માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરતી હતી. ફોન કોલ કરીને 7થી 11 ટકાના ઊંચા રિટર્નની લાલચ આપતી હતી. ઉત્રાણની ઓફિસે સર્ચ દરમિયાન કંપનીના માલિક દીપેન ધાનક અને તેના પિતા નવીનચંદ્ર ધાનક હોવાનું તેમજ મુખ્ય ઓફિસ રાજકોટમાં હોવાની બાતમી મળતાં પોલીસે રાજકોટ ઓફિસે દરોડા પાડ્યા હતા. ત્યાંથી દિપેશ ધાનકના ભાઈ ડેનિસ ઉર્ફે હેમલ ધાનકની ધરપકડ કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, ઉક્ત કંપની તેના
પિતા નવીનચંદ્ર ધાનકના નામે છે અને તેમની ઓફિસ દુબઈ હોવાથી પિતા અને ભાઈ હાલમાં દુબઈ છે.

