વાવઃ હારિજ એસટી ડેપોમાં 33 વર્ષ સુધી ડ્રાઇવર તરીકે ફરજ બજાવનારા જૂનામાંકા ગામના પ્રવીણ ચતુરભાઈ પટેલ નિવૃત્ત થયા. તેમણે એક ડ્રાઇવર તરીકે 33 વર્ષ સુધી કામ કરી બે પુત્રોની કારકિર્દી બનાવી, જેના ભાગરૂપે લંડન અને વડોદરાસ્થિત બે પુત્રો દ્વારા પિતાને તેમના જીવનભરની સંઘર્ષમયી નોકરીથી નિવૃત્તિ બાદ રૂ. 10 લાખની નવી કાર ભેટ આપી. દીર્ઘાયુ અને શાંતિમય જીવન સાથે આરામના જીવનની અભિલાષા સાથે બંને પુત્રોએ આ પ્રકારે પિતૃપ્રેમની લાગણી વ્યક્ત કરી. કારની ભેટ મળતાં પ્રવીણભાઈએ ભાવુક બની કહ્યું કે, કાર નહીં લાગણી જોઈ હૈયું ભરાઈ ગયું છે.
એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, હારિજ ડેપોમાં પ્રવીણભાઈ 25 વર્ષની ઉમરે એસટી વિભાગમાં જોડાયા હતા અને 33 વર્ષ સુધી ડ્રાઈવર તરીકે ફરજ બજાવી. હાલમાં મોટા પુત્ર ગોવિંદને અભ્યાસ કરાવી વડોદરામાં પાવડર કોટિંગના વ્યવસાયમાં લગાવ્યા છે. નાનો પુત્ર વિજય વર્કવિઝા પર લંડનમાં સેટ થયો છે. હાલમાં વિજય લંડનમાં નોકરી કરે છે અને ગોવિંદ વડોદરામાં વેપારી છે. નિવૃત્તિ બાદ જીવન આનંદદાયક બને તે માટે બંને ભાઈએ પિતાને રૂ. 10 લાખની ગાડી ભેટ આપીને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
પુત્ર વિજયે જણાવ્યું કે, પપ્પાએ આખી જિંદગી એસ.ટી. બસ ચલાવી. અમને ઊભા કરવા માટે સંઘર્ષ કર્યો. હવે પપ્પાનું નિવૃત્ત જીવન આનંદમય અને શાંતિથી પસાર થાય એ માટે કારની ભેટ આપી છે. પ્રવીણભાઈએ જણાવ્યું કે, મને ખબર નહોતી કે પુત્ર લંડનથી આવશે. બંને ભાઈએ સંકલન કરીને સરપ્રાઇઝ આપી. અમે આશ્ચર્યચકિત થઈ ગયા.