જૂનાગઢઃ ગિરનાર પર્વતના દત્ત શિખર ખાતે દિગંબર જૈન સમાજના ‘લાડુ નિર્માણ મહોત્સવ’ને લઈ વર્ષોથી ચાલી આવતા વિવાદ વચ્ચે નેમિનાથ ભગવાનના મોક્ષ કલ્યાણક દિન નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. જો કે જિલ્લા તંત્રે લાડુ અને ચોખા ચઢાવવાની મનાઈ જાહેર કરતાં સમગ્ર કાર્યક્રમમાં નારાજગીનો માહોલ પણ જોવા મળ્યો હતો. વહેલી સવારે જૈન સમાજે ગિરનારના પગથિયે પૂજા-અર્ચના કરી હતી.
દિગંબર જૈન સમાજના આગેવાનોનું કહેવું છે કે, દરવર્ષે આ દિવસે દત્ત શિખર પર લાડુ ચઢાવવાની પરંપરા રહી છે, કારણ કે તેમની માન્યતા પ્રમાણે તે સ્થળ પર 22મા તીર્થંકર નેમિનાથ ભગવાનનાં પગલાં છે, જ્યારે હિન્દુ સમાજ દત્ત શિખરને ભગવાન દત્તાત્રેયના પાવન સ્થાનક તરીકે માને છે. આ ધાર્મિક વિવાદને લઈને હાઇકોર્ટમાં કેસ પણ ચાલે છે, જેના કારણે તંત્રએ શિખર પર લાડુ ચઢાવવાની મંજૂરી ન આપી અને માત્ર ભવનાથ તળેટી વિસ્તારમાં પૂજા કરવાની છૂટ આપી છે.

