અમદાવાદઃ સરદારધામ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO), ઇંગ્લેન્ડના સંયુક્ત ઉપક્રમે લંડનમાં સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. આ વિશિષ્ટ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે.
આ કથાના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીને આમંત્રિત કરવા માટે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, NCGO UKના પ્રમુખ વિમલજી ઓડેદરા, NCGO UKના જોઈન્ટ સેક્રેટરી જિતુભાઈ પટેલ, સરદારધામના ઉપપ્રમુખ કાંતિભાઈ ગઢિયા, જશુભાઈ પટેલ, સરદારધામ સુરતના મનીષભાઈ કાપડિયા અને ગણપતભાઈ ધામેલિયાએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. લંડનમાં સરદારકથાનું આયોજન કરવાનાં બીજ ગત મે મહિનામાં રોપાયાં હતાં. એ સમયે ગણપતભાઈ ધામેલિયા, મનીષભાઈ કાપડિયા અને હિમાંશુભાઈ લક્કડ લંડનના પ્રવાસે ગયા હતા.
આ મુલાકાત દરમિયાન આ પ્રતિનિધિમંડળે હેરો સિટીનાં મેયર અંજનાબહેન પટેલ અને NCGO ના હોદ્દેદારો તેમજ અન્ય કમિટી સભ્યો સાથે આ આયોજન અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચાના અંતે સરદારસાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે લંડનમાં સરદારકથાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.
સરદારકથાના વક્તા શૈલેશભાઈ સગપરિયા ભાવનાત્મક અને વૈચારિક રજૂઆત દ્વારા આ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ આયોજન સરદારસાહેબે દેશ માટે આપેલાં અમૂલ્ય યોગદાન અને તેમનાં જીવનમૂલ્યોને યાદ કરવાનો એક અનોખો પ્રયાસ હશે.