દૈનિક 27 લિટર દૂધ આપતી બન્ની નસલની ભેંસ રૂ. 14 લાખમાં વેચાઈ

Wednesday 09th July 2025 07:08 EDT
 
 

ભુજઃ પશુધનની બહોળી સંખ્યા ધરાવતા કચ્છમાં રૂ. 5થી 7 લાખ કિંમતની ભેંસોના સોદા અવારનવાર થયા છે. આ દરમિયાન કચ્છના લખપત તાલુકાના સાન્ધ્રો ગામના એક પશુપાલકની અસલ બન્ની નસલની ભેંસ રૂ. 14.01 લાખમાં વેચાઈ છે. ગુજરાતમાં કદાચ આટલા ઊંચા ભાવે ભેંસ વેચાઈ હોય તેવો આ સંભવતઃ પ્રથમ કિસ્સો છે.
ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુએ આ ભેંસની ખરીદી કરી છે, જ્યારે વેચનાર ગાજીભાઈનો પરિવાર છે, જેમનો પરિવાર વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ ભેંસ દૈનિક 27 લિટર દૂધ આપે છે. આ ભેંસની તંદુરસ્તી તેને ખાસ બનાવે છે. તેના ચુડકંઢી શિંગડાં અને આકર્ષક દેખાવ સૌનું ધ્યાન ખેંચે છે.
બન્ની નસલની ભેંસ દાયકાઓથી તેના સ્વભાવ અને દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. બન્ની નસલની ભેંસો તરણેતર જેવા મેળાઓમાં પણ વિજેતા રહે છે. કચ્છમાં રૂ. 5થી 7 લાખમાં વેચાતી બન્ની નસલની ભેંસોના અવારનવાર સોદા થયા છે, પરંતુ રૂ. 14 લાખમાં ભેંસ વેચાય તેવું ભાગ્યે જ થયું છે.


comments powered by Disqus