સમુદ્ર સપાટીથી લગભગ 4 હજાર મીટરની ઊંચાઈએ સ્થિત અમરનાથ ધામનાં દર્શન માટે 3 જુલાઈથી ભક્તો દ્વારા યાત્રા શરૂ થઈ છે, જેમાં રોજ હજારો ભક્તો બાબા બર્ફાનીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. રોજ યાત્રિકોનો મોટો સમૂહ સુરક્ષા જવાનોની દેખરેખ હેઠળ બાબા અમરનાથનાં દર્શન કરી સુરક્ષિત પરત ફરી રહ્યો છે. સોમવાર સુધી એટલે કે માત્ર 6 દિવસમાં જ 90 હજારથી વધુ લોકો દર્શનનો લાભ લઈ ચૂક્યા છે. આ વર્ષની અમરનાથ યાત્રા માટે વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સેના, બીએસએફ, સીઆરપીએફ, એસએસબી અને સ્થાનિક પોલીસની હાલની તાકાત વધારવા માટે 180 વધારાની CAPF કંપનીઓ પણ તહેનાત કરાઈ છે.

