મુંબઈઃ મહારાષ્ટ્રમાં શનિવારે શિવસેનાના નેતા ઉદ્ભવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ 20 વર્ષપછી એક મંચ પર આવીને મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા થોપવાનો વિરોધ કર્યો હતો. તેમણે આ મુદ્દે સંયુક્ત રેલી યોજી હતી. જેમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે, જે બાળાસાહેબ ઠાકરે કરી ન શક્યા તે ફડણવીસે કર્યું, અમને બંને ભાઈઓને ભેગા કરી દીધા.
આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે શું કહીએ છીએ તેના કરતાં અમે સાથે છીએ તે મહત્ત્વનું છે. અમે સાથે આવ્યા છીએ અને સાથે રહીશું. અમારો ઉપયોગ કરીને અમને ફેંકનારાને અમે ફેંકી દઈશું. ઉદ્ધવ ઠાકરેએ આ પ્રસંગે એકનાથ શિંદે પર માછલાં ધોયાં હતાં. તેમણે કહ્યું કે, અમારો ઘણો ઉપયોગ કર્યો. તમે અમને હિન્દુત્વ શીખવનાર કોણ છો? જો ન્યાય મેળવવા માટે લડી રહેલા મરાઠી લોકોને ગુંડા કહેવામાં આવતા હોય તો અમે ગુંડા છીએ.
રાજ ઠાકરેએ કહ્યું કે, હિન્દી ભાષા સારી છે પણ તેને અમારી પર થોપવામાં આવશે તો તે જરાપણ ચલાવી લેવાશે નહીં. મરાઠીના મામલે કોઈ સમજૂતી કરાશે નહીં. અમારા માટે મહારાષ્ટ્રથી મોટો કોઈ મુદ્દો નથી. મહારાષ્ટ્ર માટે અમારે જે કંઈ કરવાનું હશે તે કરીશું.

