મહેસાણાઃ ગ્રામપંચાયતની ચૂંટણીમાં મહેસાણા જિલ્લામાં તંત્રનું મોટું ભોપાળું બહાર આવ્યું છે. ગિલોસણ ગામમાં 19 વર્ષ 8 મહિનાની ઉંમર ધરાવતી યુવતી અફરોજ અબ્બાસમિયાં પરમાર ચૂંટણી લડી સરપંચ બની ગઈ. પછી ખબર પડી કે 21 વર્ષની ઉંમર પૂર્ણ કરતી વ્યક્તિ જ ચૂંટણી લડી શકે છે.
યુવાન સરપંચોના મુખ્યમંત્રીના હસ્તે બહુમાન માટે વિગતો મગાવી આ સમયે જિલ્લા પંચાયત દ્વારા વિગતો ચકાસાઈ ત્યારે આ ભૂલ પકડાઈ. આ આખા પ્રકરણને દબાવવાના ખેલ શરૂ થયા છે અને સરપંચ પાસેથી સ્વૈચ્છિક રાજીનામું લઈ લેવાયું છે. ભોપાળું બહાર આવતાં ફોર્મ માન્ય રાખનારા ચૂંટણી અધિકારી નયન પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી સામે કાર્યવાહી કરાશે. ફોર્મમાં ખોટી ઉંમર દર્શાવી ચૂંટણી લડી સરપંચ બનેલી યુવતી સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે. આ અંગેની જાણ તાલુકા પંચાયત અને તેમણે ચૂંટણી અધિકારી એવા પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદને કરી હતી.

