વડોદરાઃ પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા. ઘૂસણખોરોને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાનું મેગા ગુપ્ત ઓપરેશન વડોદરા એરપોર્ટથી પાર પડાયું. એટીએસની દોરવણી હેઠળ 250થી વધુ બાંગ્લાદેશીને ઇન્ડિયન એરફોર્સના વિશેષ પ્લેનમાં પરત બાંગ્લાદેશ ધકેલી દેવાયા હતા. આ ઓપરેશન ગુજરાત પોલીસે અમેરિકાની સ્ટાઇલમાં પાર પાડ્યું. ચાર બસ ભરીને બાંગ્લાદેશીઓને વડોદરા એરપોર્ટ લવાયા હતા. તેમને ચારેય બાજુ દોરડાથી ઘેરીને બસથી પ્લેનમાં ચડાવાયા હતા. પહલગામ હુમલા બાદ 27 એપ્રિલથી સમગ્ર રાજ્યથી ઘૂસણખોર બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ હતી, જેમાં અમદાવાદથી 200થી વધુ, સુરતથી 100થી વધુ, વડોદરાથી 500થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા.
હજુ અન્ય બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાશે
સૂત્રો મુજબ રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પોતાના વતન પરત મોકલવા લાંબી કાર્યવાહી હોય છે. જો કે હજી બચેલા અન્ય બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ કરી રહી છે. તે ગેરકાયદે ગુજરાતમાં રહેલા હોવાની ખરાઈ કર્યા બાદ વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચનાથી સમગ્ર ઓપરેશન કરાઈ રહ્યું છે.
અગાઉ વડોદરાથી 300થી વધુ ઘૂસણખોરોને પરત કર્યા
અગાઉ મે મહિનામાં 300થી વધુ ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા હતા, ત્યારે પણ અમદાવાદ, સુરત સહિતના જિલ્લાથી બસ ભરીને તેમને વડોદરા એરપોર્ટ લવાયા હતા અને અહીંથી પ્લેન મારફતે બાંગ્લાદેશ ધકેલી દેવાયા હતા. દસ્તાવેજોના આધારે તે ગેરકાયદે રહેતા હતા કે કેમ તેની ખરાઈ કરાઈ હતી.