નવી દિલ્હીઃ દિલ્હીની એક વિશેષ અદાલતમાં નેશનલ હેરોલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની બુધવારે દૈનિક ધોરણે સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન આ કેસની તપાસ કરી રહેલી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી કોર્ટમાં હાજર થયેલા વધારાના સોલિસિટર જનરલ (એએસજી) વી. રાજુએ દાવો કર્યો હતો કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જ રૂ. 2000 કરોડની સંપત્તિને પચાવી પાડવા માટેનું કાવતરું ઘડ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની સંપત્તિને પચાવી પાડવા માગતા હતા, જેની કિંમત લગભગ રૂ. 2 હજાર કરોડ હતા. ત્યારબાદ એએસજીએ વધુમાં ઉમેર્યું કે, આ કાવતરું સોનિયા અને રાહુલ ગાંધી દ્વારા જ ઘડાયું હતું. આ હાઇપ્રોફાઇલ કેસની સુનાવણી સીબીઆઇના વિશેષ જજ વિશાલ ગોગને કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) દ્વારા નેશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન કરાતું હતું, જેની સ્થાપના પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુએ કરી હતી.
એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે, એજેએલના ડાયરેક્ટરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને પત્ર લખ્યો હતો, જેમાં કહેવાયું હતું કે અખબારનું પ્રકાશન બંધ થઈ ગયું હોવાથી તે દેવું ચૂકવવામાં અસમર્થ છે. રાજુના અનુસાર યંગ ઇન્ડિયનમાં રાહુલ, સોનિયા ગાંધી, સુમન દુબે અને સેમ પિત્રોડા મેનેજમેન્ટ હોદ્દા પર હતા. એજેએલ પાસે રૂ. 2000 કરોડની સંપત્તિ હતી, જેનું 90 કરોડના દેવા બદલ અધિગ્રહણ કરી લેવાયું હતું. આ વાસ્તવમાં ગોટાળો છે, જેમાં કોઈ વાસ્તવિક લેવડ-દેવડ નહોતી થઈ. સુનાવણી દરમિયાન રાજુએ કહ્યું કે, યંગ ઇન્ડિયન બનાવવાનું કાવતરું ઘડાયું હતું, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 76 ટકા શેર હતા. જેથી કોંગ્રેસ પાસેથી લેવામાં આવેલા 90 કરોડના દેવાની ચુકવણી માટે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવી પાડી શકાય.